બે યુવતીએ ઘરઘથ્થુ રીતે કાન વિંધાવ્યા : પિન્ના પેરિકોન્ડ્રાઈટિસની અસર : વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ
પિન્ના પેરિકોન્ડ્રાઈટિસએ બાહ્ય કાનની કૂર્ચાનો ચેપ છે. તાજેતરમાં ગોરવા વડોદરા ખાતે રહેતી બે કિશોરીઓના કાન વિંધ્યા બાદના કોમ્પ્લિકેશનના કિસ્સા નોંધાયા છે. બંને દર્દીના કાન સ્થાનિક વ્યક્તિ પાસેથી ઘરે છેદવામાં આવ્યા હતા. વીંધ્યા બાદ તેઓને કાનમાં દુખાવો, સોજો અને ચામડીની લાલાશની ફરિયાદ થઈ. જેના પગલે તેઓ વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવ્યા. તેઓને પિન્ના પેરિકોન્ડ્રાઈટિસ હોવાનું નિદાન થયું હતું અને ઇન્જેક્ટેબલ એન્ટિબાયોટિક્સ અને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તથા સોજા પર ચિરો મૂકી પરુંને તપાસ માટે માઈક્રો બાયોલોજી લેબ ખાતે મોકલવામાં આવ્યું હતું.
કાન વીંધવાથી વિવિધ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. જેમ કે દુખાવો, ચામડીની લાલાશ, પરુ, ફોલ્લો, કેલોઇડ (હાયપરટ્રોફિક ડાઘ), પેરિકોન્ડ્રાઈટિસ, બાહ્ય કાનનો આકાર બદલાઈ જવો.
સ્થાનિક ઊંટવૈદ વીંધવા માટે જરૂરી કોઈપણ જંતુરહિત સાધનોનો ઉપયોગ કે સ્વચ્છતા જાળવતા નથી. જેનાથી કાનમાં ચેપ અને કોમ્પ્લિકેશન થાય છે. તેથી કાન-વેધન યોગ્ય વ્યાવસાયિક માર્ગદર્શન હેઠળ જેમકે ડૉક્ટર પાસે કરાવુ જોઈએ અને પ્રક્રિયા પછી કાળજી લેવી જોઈએ.
કાન વેધન અથવા કર્ણવેધએ હિંદુ ધર્મનો એક સંસ્કાર, જે બાળકમાં 6 થી 7 મહિનાની ઉંમરે, કાનના બૂટમા કરવામા આવે છે. જો કે, હવે બદલાતા ફેશનને કારણે અપવ્ત્ર્ય વેધન પ્રચલિત છે. પરંતુ, તબીબી રીતે કહીએ તો કાનના ઉપરના ભાગો કે જેમાં અસ્થીકુર્ચા હોય છે તેને વીંધવાની સલાહ આપવામાં આવતી નથી, કારણ કે તે પેરિકોન્ડ્રાઇટિસ તરીકે ઓળખાતી ખૂબ જ પીડાદાયક સ્થિતિ માટે સંવેદનશીલ છે. સ્થાનિક ઊંટવૈદ, જેમની પાસે જરૂરી તાલીમ અથવા સ્વચ્છતાના પગલાં નથી, તેમની પાસેથી આવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું એ વધુ ખરાબ છે. આ કિસ્સાઓ ફેશન વલણોના નામે આવી પ્રથાઓ સામે ચેતવણીરૂપ વાત છે.