વડોદરામાં કપૂરાઈ ટાંકીમાં ફ્લો મીટર અને પાઇપલાઇન જોડાણના કામને લીધે બે દિવસ પાણીનો કકળાટ
વડોદરા,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કપુરાઈ ટાંકી ખાતે પંપ હાઉસ બનાવવા અને પંપ સેટ મશીનરી બેસાડવાના પ્રોજેક્ટ અંતર્ગત પાણીની નવી લાઈનનું જોડાણ કરવાની કામગીરી અને નવીન ફ્લો મીટર બેસાડવાની કામગીરીને ધ્યાનમાં રાખી તા.15 અને તા.16 એમ બે દિવસ પાણી વિતરણ કરવામાં આવશે નહીં જેના કારણે ત્રણ લાખ લોકોને અસર થશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીવાના પાણીની તંગી દૂર કરવાને ધ્યાનમાં રાખી વિવિધ વિસ્તારોની પાણીની ટાંકી તેમજ સંપમાં નવા પંપો લગાડવાની કામગીરીની સાથે સાથે પાણીની લાઈન પર ફ્લો મીટર લગાડવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આગામી 15 અને 16 દરમિયાન કપુરાઈ ખાતે આ કામગીરી કરવામાં આવનાર છે જેથી કપુરાઈ પાણીની ટાંકીના સમગ્ર વિસ્તારમાં બે દિવસ પાણીનો કકળાટ સર્જાશે.
પાણી પુરવઠા વિભાગ હસ્તકના કપુરાઇ ટાંકી ખાતે નવીન સંપમાં પંપ હાઉસ બનાવવા અને પંપ સેટ મશીનરી બેસાડવાના પ્રોજેકટ અંતર્ગત પાણીની નવીન ૬૦૦મી.મી. વ્યાસની ડીલીવરી નળીકાનું હયાત જુના પંપ રૂમની 600 મી.મી. વ્યાસની ડીલીવરી નળીકા સાથે નવી 600 મી.મી.વ્યાસની ‘‘ટી’’ બેસાડી જોડાણ કરવાની કામગીરી તથા નવીન 500 મીમી ડાયા નવીન ફલોમીટર બેસાડવાની કામગીરી તા.15-2-2024 ના રોજ કપુરાઇ ટાંકીના સવારના ઝોનના વિતરણ કર્યા બાદ કરવાની હોવાથી તા.15-2-2024ના રોજ કપુરાઇ ટાંકીથી બપોર અને સાંજના પાણીના ઝોન તથા તા.16-2-2024ના સવારના ઝોનનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં. તથા તા.16-2-2024ના રોજ સાંજના ઝોનનું પાણી વિલંબથી, હળવા દબાણથી અને ઓછા સમય માટે વિતરણ કરવામાં આવશે.