વડોદરામાં સાંજે ધોધમાર અઢી ઇંચ વરસાદ ઃ કરજણમાં ૫ ઇંચ નોંધાયો
પશ્ચિમના ઠંડા પવનોએ વાતાવરણ ઠંડુ બન્યુ ઃ શિનોરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો
વડોદરા, તા.25 વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ આજે પણ યથાવત રહ્યો હતો. આજે આખો દિવસ વરસાદી ઝાપટાં પડયા બાદ શહેરમાં સાંજે ધોધમાર વરસાદ ખાબકતા શહેરના અનેક નીચાણવાળા રોડ પર પાણી ફરી વળ્યા હતાં. શહેર ઉપરાંત જિલ્લામાં કરજણ અને શિનોર તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પરમ દિવસથી શરૃ થયેલા વરસાદના કારણે તાપમાનનો પારો પણ સતત ગગડયો હતો અને વાતાવરણ ઠંડકભર્યુ બન્યું હતું. આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો અને આકાશી વાદળો ઘેરાયા બાદ ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર સુધી સામાન્ય વરસાદ શહેરમાં નોંધાયા બાદ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જેના પગલે સાંજે બહાર નીકળેલા લોકો ફસાઇ ગયા હતાં.
પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં આજે સવારે છથી રાત્રે આઠ વાગ્યા સુધી અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે જિલ્લામાં સૌથી વધુ કરજણ તાલુકામાં ૧૨૮ મિમી એટલેકે પાંચ ઇંચથી વધારે વરસાદ પડયો હતો આ ઉપરાંત શિનોર તાલુકામાં ૧૦૮ મિમી એટલેકે ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. સૂત્રો મુજબ સાવલીમાં ૪ મિમી, વાઘોડિયામાં ૫, ડભોઇમાં ૨૧, પાદરામાં ૨૪ અને ડેસર તાલુકામાં ૩ મિમી વરસાદ નોંધાયો હતો.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં આજે ફરી તાપમાનનો પારો ગગડયો હતો ન્યૂનત્તમ તાપમાન ફરી ૦.૬ ડિગ્રી ઘટીને ૨૮ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૦.૨ ડિગ્રી ઘટીને ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત પશ્ચિમ દિશાના ૧૫ કિ.મી.ની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતાં. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૫ અને સાંજે ૯૭ ટકા રહ્યું હતું.