૨.૧૩ કરોડનાં સોનાની ચોરીમાં સંજય જાધવ છ વર્ષે ઝડપાયો
ગામમાં લગ્ન અને ચૂંટણી હોવાથી સંજય આવવાનો હોવાથી પોલીસે ત્રણ દિવસ પહેલાંથી વોચ ગોઠવી હતી
વડોદરા, તા.6 પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રૃા.૨.૧૩ કરોડની કિંમતના સોનાના કેસમાં છ વર્ષથી ફરાર ચોરને રેલવે પોલીસે મહારાષ્ટ્રમાં ઓપરેશન હાથ ધરી ફિલ્મીઢબે ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે ટ્રેનમાં છ વર્ષ પહેલાં ૭ કિલો સોનું મૂકેલ બે બેગોની ચોરી થતા તે અંગે આણંદ રેલવે પોલીસમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં પોલીસે અગાઉ અર્જુન પંડિત અને સુભાષ જાધવને ઝડપી પાડયા હતાં જ્યારે સુભાષનો ભાઇ સંજય યશવંત જાધવ (રહે.રાણેસાગ્વી, તા.ભુમ, જિલ્લો ધારાશીવ, મહારાષ્ટ્ર) અને મુખ્ય ભેજાબાજ બાદશાહ છ વર્ષથી ફરાર હતાં.
રેલવે પોલીસને માહિતી મળી હતી કે સંજય જાધવ પોતાના વતનમાં લગ્ન અને ચૂંટણી હોવાથી ત્યાં આવવાનો છે જેથી રેલવે એલીસીની એક ટીમે ત્રણ દિવસ પહેલાં ત્યાં પહોંચીને સ્થાનિક પહેરવેશ સાથે વોચ ગોઠવી હતી ભૌગોલિક સ્થિતિ મેળવી હતી. સંજય ગામમાં ઓછો રહેતો હતો જ્યારે ખેતરમાં બનાવેલા ઘરમાં તે વધારે જણાયો હતો. જેથી પોલીસે ખેતરની આજુબાજુ ગોઠવાઇને ટ્રેપ ગોઠવી હતી. જો કે પોલીસને જોઇ સંજય ભાગ્યો હતો પરંતુ પોલીસના માણસોએ ખેતરોમાં પીછો કરી તેને ઝડપી પાડયો હતો.