૧૯૫૨માં ગણતરી કરવા માટે વપરાતા મિકેનિકલ કેલક્યુલેટરનું વજન ૬ કિલો હતું
વડ઼ોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા માટે આજે ઓપન હાઉસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.ફેકલ્ટીના વિવિધ વિભાગોએ વિજ્ઞાાનની વિવિધ જાણકારીને રસપ્રદ રીતે પ્રસ્તુત કરી હતી.
ફેકલ્ટીના સ્ટેટેસ્ટિક વિભાગે ૧૯૬૦ના દાયકાથી લઈને ૯૦ના દાયકાના સમયગાળા વચ્ચે વસાવેલા કેલક્યુલેટર્સનો સંગ્રહ રજૂ કર્યો હતો.જે મુલાકાતીઓમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યો હતો.
સ્ટેટેસ્ટિક વિભાગની સ્થાપના ૧૯૪૯માં થઈ હતી.ઓપનહાઉસમાં ૧૯૫૨માં વેચાતુ મિકેનિકલ કેલક્યુલેટર પ્રદર્શિત કરાયુ હતુ.જે વિભાગ પાસેનુ સૌથી જૂનુ કેલક્યુલેટર છે.આજે ગણતરી માટે વપરાતા કેલક્યુલેટરનુ વજન માંડ ૧૦૦ થી ૨૦૦ ગ્રામ હોય છે ત્યારે ૧૯૫૨માં બનેલા અને ટી કે મોડેલ તરીકે ઓળખાતા કેલક્યુલેટરનુ વજન ૬ કિલો જેટલુ છે. ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આ કેલક્યુલેટરમાં ભાગાકાર નહોતા થઈ શકતા અને ગુણાકાર, સરવાળા તેમજ બાદબાકી માટે તેનો ઉપયોગ કરાતો હતો.મિકેનિકલ કેલક્યુલેટર હોવાના નાતે ટાઈપરાઈટર જેવી કી દબાવીને આંકડા તેમાં નાંખવાના રહેતા હતા અને એ પછી જવાબ મેળવવા માટે હેન્ડલ ગોળ ફેરવવાનુ રહેતુ હતુ.૧૯૫૨નુ આ કેલક્યુલેટર હજી પણ કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે, ૧૯૭૦ બાદ મિકેનિકલ કેલક્યુલેટરનુ ચલણ બંધ થવા માંડયુ હતુ અને તેનુ સ્થાન ઈલેક્ટ્રિકલ કેલક્યુલેટરે લેવા માંડયુ હતુ.જોકે આ કેલક્યુલેટર પણ આજના કેલક્યુલેટર કરતા કદમાં ખાસા મોટા હતા.
વિભાગ પાસે ૧૯૫૬માં વેપારીઓ ઉપયોગમાં લેતા હતા તેવુ મર્ચન્ટ ઈલેક્ટ્રોનિક કેલક્યુલેટર, ૧૯૫૩નુ તેમજ ૧૯૬૬નુ કેલક્યુલેટર પણ હજી સચવાયેલુ છે.વિભાગ દ્વારા ૧૯૮૬માં ઓરિક કોમ્પ્યુટર વસાવાયુ હતુ.જે પણ ઓપન હાઉસમાં પ્રદર્શિત કરાયુ હતુ.કુલ મળીને ૧૯૫૨ થી ૧૯૬૬ દરમિયાનના ૧૨ જેટલા કેલક્યુલેટર વિદ્યાર્થીઓને જોવા માટે મુકવામાં આવ્યા હતા.
કેમેસ્ટ્રીના વિવિધ સમીકરણોની સાપસીડી અને હાઉસી રમાડાઈ
સાયન્સ ફેકલ્ટીના ઓપન હાઉસની આજે સ્કૂલના હજારો વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.સાથે સાથે એવી પણ માંગણી ઉઠી હતી કે, ઓપન હાઉસ એક દિવસની જગ્યાએ બે દિવસનુ હોવુ જોઈએ.જેથી વધારે લોકો તેનો લાભ લઈ શકે.
અલગ અલગ વિભાગોમાં બીએસસી તેમજ એમએસસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ચાર્ટ, ડેકોરેશન અને ગેમ્સ રમાડીને રસપ્રદ રીતે વિજ્ઞાાનના સિધ્ધાંતોની અને બીજી બાબતોની જાણકારી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી.કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓએ ગેમ્સના ભાગરુપે કેમેસ્ટ્રીની વિવિધ ફોર્મ્યુલાની સાપસીડી તેમજ હાઉસીનુ આયોજન કર્યુ હતુ.
આ જ રીતે ઝૂલોજી વિભાગે પશુ પક્ષીઓની, જિઆલોજી વિભાગે પોતાના મ્યુઝિયમમાં સચવાયેલા અલગ અલગ પ્રકારના રત્નો તેમજ પથ્થરોની જાણકારી પૂરી પાડી હતી.ફિઝિક્સ વિભાગમાં ઈસરો દ્વારા કયા કયા મિશન લોન્ચ કરાયા છે અને રોકેટ કયા સિધ્ધાંત પર કાર્ય કરે છે તેની સમજ અપાઈ હતી.બોટની વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ પ્લાન્ટસની માહિતી રજૂ કરી હતી.
સમગ્ર ઓપન હાઉસનુ સંચાલન વિદ્યાર્થીઓએ જ કર્યુ હતુ.