મુંબઇ પાસે થાણે તેમજ વિરારથી ભાગેલી બે કિશોરી રેલવે સ્ટેશને મળી
વડોદરા સહિત ૧૦ રેલવે સ્ટેશનો પરથી ત્રણ માસમાં ૧૦૩ માસૂમો સહિત ૧૯૧ વ્યક્તિઓ શોધી કઢાયા
વડોદરા, તા.24 રેલવે સ્ટેશનો પરથી પોલીસ દ્વારા ૧૮ વર્ષના ૧૦૩ સગીરો સહિત કુલ ૧૯૧ વ્યક્તિઓને શોધી કાઢી તેમનું પરિવાર સાથે મિલન કરાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે પોલીસમાં કુલ ૧૦ રેલવે પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. રેલવે પોલીસ દ્વારા છેલ્લા ત્રણ માસમાં રેલવે સ્ટેશનો પર આવી આશ્રય લેતાં માસૂમો સહિત અન્ય વ્યક્તિઓ જે ઘેરથી નીકળી ગયા હોય તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા રેલવે સ્ટેશન પરથી ૧૦ બાળકો અને ૧૬ બાળકીઓને શોધી તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતાં.
૧૮ વર્ષથી વધુ ઉમરના હોય તેવા ૬ પુરુષ અને ૧૩ સ્ત્રીઓ વડોદરા રેલવે વિસ્તારમાંથી મળ્યા હતાં. ડભોઇમાં પણ એક સ્ત્રી મળતા તેને પરિવારના સભ્યોને સોંપવામાં આવી હતી. મહારાષ્ટ્રના થાણે તેમજ વિરાર ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ૧૭ વર્ષની કિશોરીના અપહરણ અંગે ગુનો દાખલ થયા બાદ બંનેની પોલીસ શોધખોળ કરતી હતી જો કે બંને કિશોરીઓ વડોદરા રેલવે સ્ટેશન પરથી મળી હતી. રાજસ્થાનથી પણ એક યુવાન અને યુવતી બંને ઘેરથી ભાગીને રેલવે સ્ટેશન પર આવ્યા હતાં. આ બંનેને પણ શોધીને રાજસ્થાનના દૌસા પોલીસને સોંપાયા હતાં.