ગોધરાના કોટડામાં ચાંદીપુરા વાયરસ ફેલાવતી ૧૯ માખીઓ મળી
ચાર માખીઓ તો મૃત્યુ પામનાર બાળકીના ઘરમાં હતી ઃ માખીઓને પુણે લેબમાં મોકલાઇ
ગોધરા તા.૧૭ ગોધરા તાલુકાના કોટડા ગામે આરોગ્ય વિભાગની સર્વેલન્સની કામગીરી દરમિયાન ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય નામની ૧૯ માખીઓ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, તમામ માખીઓને પરીક્ષણ અર્થે પુણે લેબમાં મોકલવામાં આવી છે.
ગોધરા તાલુકાના કોટડા ગામે બે દિવસ અગાઉ ચાર વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા હતા, જે બાદ બાળકીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાબડતોબ ગોધરા તાલુકાના કોટડા ગામે બાળકીના ઘર તેમજ ઘરની આસપાસના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગને સર્વેલન્સ દરમિયાન ચાંદીપુરા વાયરસ ફેલાવતી ખાસ પ્રકારની માખીઓ મળી હતી, આરોગ્ય વિભાગ દ્વારા આવી ૧૯ માખીઓ કબ્જે લેવામાં આવી હતી, ૧૯ પૈકીની ચાર માખીઓ મૃતક બાળકીના ઘરમાંથી મળી હતી, જે બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે, હાલ તો તમામ માખીઓને પરીક્ષણ અર્થે પુણે ખાતે આવેલી ખાસ લેબમાં મોકલવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોટડા ગામે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.