વડોદરામાંથી અપડાઉન કરતા નોકરીયાતોની બાઈક ચોરી સસ્તામાં રાજસ્થાન વેચવાનું નેટવર્ક પકડાયું
Vadodara Vehicle Theft : વડોદરા શહેરમાંથી નોકરીયાત લોકોની હાઇવે નજીક પાર્ક કરેલી મોટર સાયકલો ચોરી રાજસ્થાનમાં સસ્તા ભાવે વેચી રોકડી કરી લેતા બે વાહન ચોરને પોલીસે ઝડપી પાડી 19 મોટરસાયકલ કબજે કરી છે.
વડોદરાથી હાલોલ તેમજ આસપાસના તાલુકાઓની કંપનીઓમાં નોકરી કરવા જતા કર્મચારીઓ હાઇવે નજીક બ્રિજ નીચે તેમજ હરણી, કપુરાઈ, વાઘોડિયા, હાલોલ, માણેક પાર્ક સર્કલ, એરપોર્ટ, સમા જેવા વિસ્તારોમાં મોટરસાયકલ પાર્ક કરીને અપડાઉન કરતા હોય છે.
આ તકનો લાભ લઈ બે વાહન ચોર દ્વારા આવા વાહનો પર નજર રાખીને વાહનો ચોરી કરવામાં આવતા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે અજબડી મિલ પાસેથી જુદી-જુદી બે મોટર સાયકલ પર જઈ રહેલા નિતેશ કચુભાઈ ડામોર (બીલીપાડા બાસવાડા રાજસ્થાન, હાલ-હીરાબાનગર, બાપોદ જકાતનાકા, વડોદરા) તેમજ ઈશ્વરલાલ રામચંદ્ર કટારા (લોહારીયા બડા, કુશલગઢ બાસવાડા) ને ઝડપી પાડતા બંને પાસે મળેલી મોટરસાયકલ ચોરીની હોવાની વિગતો ખુલી હતી.
પોલીસે બંને વાહન ચોરની વધુ પૂછપરછ કરતા દોઢ વર્ષ દરમિયાન અપડાઉન કરતા નોકરિયાતોને ટાર્ગેટ બનાવી 19 મોટરસાયકલ ચોરીને રાજસ્થાનના અંતરયાળ ગામોમાં સસ્તી કિંમતે વેચી દીધી હોવાની વિગતો ખુલી હતી. જેથી પોલીસે તમામ મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ જારી રાખી છે.