કપડવંજમાં તોલમાપ વિભાગના 18 વેપારીઓને ત્યાં દરોડા
હજુ દરોડા સાથે વધુ તપાસનો દૌર ચાલુ રહેશે
વિભાગ હરકતમાં આવતા વધુ કિંમત વસુલતા અને ઓછું તોલીને આપતા વેપારીઓમાં ફફડાટ
કપડવંજ: કપડવંજ તાલુકામાં કેટલાક વેપારીઓ તેમજ પેટ્રોલપંપો, વે બ્રીજ, ઉપરાંત દૂધ ઉત્પાદક, સહકારી સસ્તા અનાજની દુકાનોમાં તોલમાપમાં ઓછું આપતા હોવાનું અને ગેરરીતિઓ થતી હોવાનું પ્રકાશમાં આવતા તોલમાપ ખાતું હરકતમાં આવ્યું હતું. કપડવંજ ખાતે ૧૮ વેપારીઓને ત્યાં દરોડા પાડી રૂા. ૨૮,૫૦૦નો દંડ ફટકારાયો હતો.
કપડવંજ ખાતે તા ૧૨-૩-૨૪ના રોજ તોલમાપ વિભાગના ત્રણ નિરીક્ષકોની ટીમ ત્રાટકી હતી. જેમાં લિગલ મેટ્રોલોજી એક્ટ ૨૦૦૯ અધિનિયમ મુજબ કરીયાણાના વેપારીઓ, સસ્તા અનાજની દુકાનોમાં ઠંડા પાણી, દૂધના વેપારી, ફરસાણ નમકીનના વેપારી સહિતના ૧૮ વેપારીઓને ત્યાં ઓચિંતો દરોડો પાડયો હતો. જેમાં ઓછું આપતા તેમજ નિયત કરતા વધુ કિંમત પ્રિન્ટ વગર વસુલતા વેપારીઓને રૂા. ૨૮,૫૦૦ દંડ ફટકારાયો હતો.
હજી કેટલાક યુનિટોની ફરિયાદોના આધારે અનેક જગ્યાએ ઓછું અપાતું હોય તેવા યુનિટો ઉપર વારંવાર નિયત સમયે ઓચિંતા દરોડા પાડી તપાસનો દોર ચાલુ રહેશે તેવું તોલમાપ વિભાગે જણાવ્યું હતું. ત્યારે તોલમાપ વિભાગ દ્વારા તટસ્થ તપાસણી થતી રહશે કે કેમ? તેવા પ્રશ્નો નાગરિકો કરી રહ્યા છે.