કતલખાને લઇ જવાતા ૧૮ મૂંગા પશુઓને બચાવી લેવાયા
પાણી, ઘાસચારા અને હવા ઉજાસની કોઇ વ્યવસ્થા રાખી નહતી
વડોદરા,ગોધરાથી ટેમ્પામાં ખીચોખીચ ભરીને ભરૃચ લઇ જવાતા ૧૮ મૂંગા પશુઓને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસની મદદથી બચાવી લીધી હતી. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેર નજીકના ભાલીયાપુરા ગામની સીમમાં પ્રિત ટેનામેન્ટમાં રહેતા વિહાભાઇ ભરવાડ કલેક્ટરની અધ્યક્ષતામાં ચાલતી વડોદરા જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થામાં કારોબારી સભ્ય તરીકે સેવા આપે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું ગોલ્ડન ચોકડી ઉભો હતો. તે દરમિયાન એક આયશર ટેમ્પો પસાર થતા મને શંકા જતા કપુરાઇ બ્રિજ પાસે ટેમ્પો ઉભો રખાવ્યો હતો. ડ્રાઇવરે ટેમ્પામાં ભેંસો ભરી હોવાનું જણાવતા મેં કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસની વાન આવી ગઇ હતી. તેઓની પાસે કોઇ પરમિટ નહતી. તેઓને ટેમ્પા સાથે પોલીસ સ્ટેશન લઇને આવી પૂછતા તેઓના નામ (૧) મોહસીન હુસેનભાઇ બુમલા તથા (૨) સુફિયાન રમજાનીભાઇ ઘાંચી ( બંને રહે. સાતપુલ સી મુસ્લિમ સોસાયટી, વેજલપુર રોડ , ગોધરા) હોવાનું જણાવ્યું હતું. ટેમ્પામાં ૧૮ ભેંસો ખીચોખીચ ભરેલી હતી. તેઓ માટે હવાઉજાસ તથા પાણી અને ચારાની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નહતી. જેથી, પોલીસ તમામ પશુઓને પાંજરાપોળ લઇ ગઇ હતી. તેઓ ગોધરાથી પશુઓ ભરીને ભરૃચના વલણ ગામે કતલખાને લઇ જતા હતા.