૧૨ શિક્ષકોની નિમણૂંક માટે ૧૮.૫૬ લાખ ઉઘરાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો
ગુજરાત ખેત વિકાસ પરિષદ દ્વારા સંચાલિત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે આવેલી શાળાના કિસ્સો
વડોદરા,દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે આવેલી અને ગુજરાત ખેત વિકાસ પરિષદ દ્વારા સંચાલિત વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની નિમણૂંક માટે ૧૮.૫૬ લાખ ગેરકાયદે ઉઘરાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સી.આઇ.ડી. ક્રાઇમમાં નોંધાઇ છે.
અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં માધવદીપ એપાર્ટમેન્ટમાં રહેતા કાંતિલાલ ભીખાભાઇ ચાવડા ગુજરાત ખેત વિકાસ પરિષદ, અમદાવાદમાં પ્રબંધ સમિતિના સભ્ય અને મંત્રી છે. આ સંસ્થા શૈક્ષણિક સંસ્થાનું સંચાલન કરે છે. વડોદરા સી.આઇ.ડી.ક્રાઇમ ઝોનમાં તેમણે ગત ૧૧ મી તારીખે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગુજરાત ખેત વિકાસ પરિષદમાં ૧૮ આશ્રમ શાળાઓ આવેલી છે. આ શાળામાં શિક્ષકોની નિમણૂંક જિલ્લા શિક્ષણ અધિકારીના ભલામણ પત્ર આધારે સત્વરે નિમણૂંક આપવામાં આવે છે. પરિષદ દ્વારા સંચાલિત વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે આવેલી છે. તેમાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૭ દરમિયાન ભરતી કરાયેલા શિક્ષકો પાસેથી ગેરકાયદે નાણાં ઉઘરાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. શાળાના શિક્ષકો કે કર્મચારી વાંધો ઉઠાવે તો તેઓને નોટિસો આપી ભયનું વાતાવરણ ઉભું કરાય છે. તેની તપાસ કરવા માટે જુલાઇ - ૨૦૨૦ માં એક સમિતિની રચના કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન શિક્ષકોએ જણાવ્યું હતું કે, શાળાના હેડ ક્લાર્ક હરજીભાઇ નાગોત તથા સંસ્થાના નિયામક પરથીભાઇ આર પસાયા દ્વારા અમને હાજર કરતા પહેલા આર્થિક સહાયની માંગણી કરવામાં આવી હતી. તેઓએ હાજર થવા આવેલા શિક્ષકો પાસેથી બે થી પાંચ લાખની માંગણી કરી હતી. શાળાની જરૃરિયાત માટે ડોનેશનના ઓથા હેઠળ ૧૮.૫૬ લાખ ૧૨ શિક્ષકો પાસેથી ઉઘરાવી લઇ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખી હતી.ઉલ્લેખનીય છે કે, શિક્ષકોને નાણાં જમા કરાવ્યા અંગેની કોઇ પાવતી આપવામાં આવી નહતી તેમજ રૃપિયા સ્કૂલના વિકાસમાં આપ્યા નહતા અને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા.
જે અંગે સી.આઇ.ડી.ક્રાઇમમાં ફરિયાદ નોંધતા પોલીસે પરિષદના તત્કાલિન મંત્રી બાબુભાઇ વીરચંદભાઇ વાઘેલા, સ્થાનિક સંચાલક મંડળના નિયામક પરથીભાઇ પસાયા, શાળાના હેડ ક્લાર્ક હરજીભાઇ નગોતા તથા શિક્ષક નિલકંઠ ઠક્કર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ આ બાબતે હાઇકોર્ટમાં ફાઇલ થયેલી પિટિશન વિડ્રો કરી હતી
એક આરોપીએ આગોતરા મેળવવા કોર્ટમાં અરજી કરી
વડોદરા, આ ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે હરજીભાઇ નગોતાએ ગત ૨૦ મી તારીખે કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાત ખેત વિકાસ પરિષદના પૂર્વ મંત્રી દિનેશભાઇ બટુઆને મંત્રી પદેથી હટાવી દેતા તેમણે ચેરિટી કમિશનરની કચેરીમાં અરજી કરી હતી. જ અરજી નામંજૂર થતા બદલો લેવાના આશયથી હાલની ફરિયાદ મોટી ઓળખાણ લગાવી કરી છે. અગાઉ આ બાબતે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ થઇ હતી. જે વિડ્રો કરી હતી. તેમાં તત્કાલિન પ્રમુખ દ્વારા સોગંદનામુ કરવામાં આવ્યું હતું કે, આવો કોઇ ભ્રષ્ટાચાર થયો નથી અને શાળાના વિકાસના કામો થયા છે.તેમછતાં હાલની ફરિયાદ દાખલ થઇ છે.