વડોદરા: માર્કેટ વિસ્તારમાં ગેરકાયદે અડિંગો જમાવતા ફ્રુટવાળાની 17 લારીઓ કબજે
મંગળબજારની જેમ જ ગેરકાયદે દબાણો માર્કેટ વિસ્તારમાં પણ માથાના દુ:ખાવા સમાન
વડોદરા, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર
વડોદરા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે મંગળ બજારના લારી ગલ્લાવાળાના કાયમી ગેરકાયદે દબાણોની જેમ જ ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફ્રુટની લારીઓના ગેરકાયદે દબાણો માથાના દુ:ખાવારૂપ બન્યા છે. ખંડેરાવ માર્કેટ વિસ્તારમાંથી પાલિકા તંત્ર એ ફ્રુટ વાળાની ૧૭ જેટલી લારીઓ કબજે કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેવી રીતે મંગળ બજારમાં લારી ગલ્લા પથારા વાળાના દબાણો માથાના દુ:ખાવા સમાન છે. રાહદારીઓને આ વિસ્તારમાંથી ચાલતા જવા માટે પણ ભારે તકલીફ પડે છે તો પછી વાહન હંકારીને જવું તો ક્યાંથી શક્ય બને. આવી જ રીતે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાંરસ્તાની બંને બાજુ ફ્રુટની લારીઓ વાળાના ગેરકાયદે દબાણો પણ એક કાયમી સમસ્યા છે. રાહદારીને ચાલવામાં સતત અકસ્માતનો ભય રહે છે.
આ વિસ્તારમાં પાલિકા તંત્રની મુખ્ય કચેરી પણ આવેલી છે જ્યાં મ્યુ. કમિશનર, મેયર સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત સેકડો કર્મચારીઓ કાયમી ધોરણે ફરજ બજાવે છે.
છતાં પણ જાણે કે સૌ કોઈ અધિકારી સહિત પદાધિકારીઓ જાણે કે આ તમામ ગેરકાયદે લારી ગલ્લા પથારા વાળા ખુમચા વાળાને કાયમી ધોરણે લાયસન્સ મળી ગયું હોય એવી રીતે સૌ કોઈ આંખ ખાડા કાન કરીને પસાર થતા હોય છે. વિસ્તારમાંથી વાહન ચાલકને પસાર થવું અને રાહદારીને ચાલવામાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડે છે અને વારંવાર અકસ્માત નો ભાઈ પણ તેમને સતાવે છે અવારનવાર નાના અકસ્માતના કારણે તકરાર પણ રોજિંદી બની છે
દરમિયાન પાલિકા તંત્રની દબાણ શાખા ની ટીમ ગઈ મોડી સાંજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ત્રાટકી હતી તમામ ફ્રુટ વાળાની 17 જેટલી લારીઓ પણ દબાણ શાખા એ કબજે લઈને તંત્રમાં જમા કરાવી હતી.
દરમિયાન પાલિકા ની દબાણ શાખા એ કમાટીબાગ કાલાઘોડા થી સયાજી હોસ્પિટલ આગળ પાછળના ગેટ સુધીના અનેક ગેરકાયદે લારી ગલ્લા પથારા વાળાના દબાણો દૂર કરીને કેટલોક માલ સામાન દબાણ શાખાએ કબજે લઈને પાલિકા તંત્ર સમક્ષ જમા કરાવ્યો હતો.