ડભોઇ તાલુકાના આઠ ગામોમાં ૧૭ કિ.મી. લાંબા વીજવાયરોની ચોરી
ખેતીવિષયક જોડાણોના વાયરોની તપાસમાં ટ્રાન્સફોર્મરની કોઇલોની પણ ચોરીની જાણ થઇ
વડોદરા, તા.24 ડભોઇ તાલુકાના આઠ ગામોના ખેતરોમાં લગાવેલા ખેતીવિષયક વીજલાઇનના ૧૭ કિલોમીટર લાંબા વીજવાયરો અને ટ્રાન્સફોર્મરની કોઇલોની ચોરી થતાં આખરે વીજકંપની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ખટંબા પેટા વિભાગના નાયબ ઇજનેર વિવેક પ્રજાપતિએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વણાદરા ગામથી કડધરા ગામ જવાના રોડ પર ભારે દબાણવાળી ત્રણ રેસાવાળી વીજલાઇનની ચોરી થઇ છે તેવી ફરિયાદ મળતાં આ અંગે વીજકંપની દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખેતીવિષયક અપાતા વીજજોડાણોના વીજવાયરોની ચોરી થઇ હોવાનું જણાયું હતું.
આ ઉપરાંત ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં પલાસવાડા, માવલી, ભાયાપુરા, ઢોલાર, જમનાપુરા, કુંવરવાડા, રસુલપુરા ગામની સીમમાં આવેલા ખેતરોમાં ખેતીવપરાશ માટે આપેલા વીજ કનેક્શનના વાયરોની ચોરી થઇ હતી. કુલ ૧૭.૧૪ કિલોમીટર વીજવાયરો તેમજ ટ્રાન્સફોર્મરોની કોઇલો મળી કુલ રૃા.૧.૯૫ લાખની મત્તા ચોરી થઇ હતી. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે વાયરચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે.