Get The App

શાહપુર બ્રીજ નીચે રૃપિયા ૬૯.૭૧ લાખની ૧૭,૩૦૮ ટન રેતીની ચોરી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
શાહપુર બ્રીજ નીચે રૃપિયા ૬૯.૭૧ લાખની ૧૭,૩૦૮ ટન રેતીની ચોરી 1 - image


ભુસ્તર તંત્રના રાત્રી દરોડા બાદ તપાસમાં સામે આવ્યું

પાંચ રેતી ચોરો સામે ડભોડા પોલીસ મથકમાં દોઢ મહિને આખરે ગુનો પણ દાખલ કરાયો

ગાંધીનગર :  શાહપુર બ્રીજ નીચે સાબરમતી નદીમાં પ્રતિબંધીત વિસ્તારમાં ગેરકાયદે રેતીખનન કરતા હોવાની બાતમી મળતા ઓક્ટોબર માસમાં મોડી રાતે ભુસ્તર તંત્ર દ્વારા દરોડો પાડીને રેતીચોરોને પકડી પાડયા હતા. બે લોડર મશીનો, બે ડમ્પર સહિત ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તો આ કિસ્સામાં આખરે કસુરવાર પાંચ સામે ગુજરાત મીનરલ્સ રૃલ્સ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ગાંધીનગરનાં શાહપુર ગામની નદીનાં પટમાં સાદીરેતીનું ગેરકાયદેસર ખનન કરાતું હોવાની ફરિયાદનાં આધારે તા.૪ ઓક્ટોબરના રોજ મોડી રાતે જિલ્લા ભુસ્તર અધિકારી અને તેમની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી બિનઅધિકૃત રેતી ખનન કરતાં બે લોડર મશીનો અને આશરે ૫૦-૫૦ મેટ્રિક ટન સાદી રેતી ખનીજ ભરેલા બે ડમ્પરો મળીને કુલ આશરે રૃપિયા ૮૦ લાખની રકમનાં મુદ્દામાલને સીઝ કરીને ડભોડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતાં. જે સાદી રેતીના બિનઅધિકૃત ખનનવાળા વિસ્તારની માપણી હાથ ધરતાં કુલ ૧૭,૩૦૮.૬૪ મેટ્રિક ટન સાદી રેતીનું બિનઅધિકૃત ખનન કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.પ્રતિબંધિત વિસ્તારમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધીનગરનાં જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાતા જવાબદારો સામે કાર્યવાહી કરી રેતીનું કુલ રૃપિયા ૬૯.૭૧ લાખની કિંમતની સાદી રેતીની ખનીજ ચોરીના આરોપસર ગુજરાત મીનરલ્સ રૃલ્સ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ રેતી ખનનના આરોપીઓ વિરૃદ્ધ પોલીસ ફરિયાદ ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.


Google NewsGoogle News