ઇતિહાસ વિભાગમાં સંરક્ષિત 167 વર્ષ જૂના ઐતિહાસિક દસ્તાવેજો નષ્ટ થવાની શક્યતા
વિભાગની બિલ્ડિંગ જર્જરિત બનતા પુસ્તકાલય સહિત અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા, સાગ અને શીશમના ફર્નિંચરની પણ ચોરી
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોની ગંભીર બેદરકારીના કારણે ઇતિહાસ વિભાગમાં સંરક્ષિત મુલ્યવાન ઐતિહાસિક દસ્તાવેજો નષ્ટ થવાના આરે છે. વિભાગના પુસ્તકાલયમાં પણ વરસાદી પાણી ભરાવાના કારણે ભારે નુકસાન થયું છે. આ મામલે વિભાગ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઇતિહાસ વિભાગમાં બેદરકારી પૂર્વક છત ઉપર ફેંકી દેવાયેલા મહત્વનો સામાન અને ફર્નિંચર વરસાદમાં સડી રહ્યાં છે ઉપરાંત ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગની છત ઉપર વનસ્પતિ ઉગી નીકળી છે જે બિલ્ડિંગને નુકસાન કરી રહી છે તેમ છતાં તેની સંભાળ રાખવા માટે યુનિવર્સિટી સત્તાધિશો કશુ કરી રહ્યા નથી. વેકેશન પહેલા છત અને સંબંધિત વિસ્તારોની સફાઈ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, પણ આ કામ હજી સુધી પૂર્ણ થયું નથી. જેના પરિણામે ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગના પુસ્તકાલયમાં પાણી ભરાઈ ગયું અને પ્રોજેક્ટરને નુકસાન થયું છે. સાથે જ ગ્રાઉન્ડ ફ્લોરના સાધનો અને સામગ્રી પણ ગંભીર રીતે નુકસાન પામી છે.
બીજા માળ પર આવેલા આર્કાઇવ્સ, જેમાં વડોદરા અને ગુજરાતના ૧૬૭ વર્ષ જૂના મૂલ્યવાન ઐતિહાસિક દસ્તાવેજો રાખવામાં આવ્યા છે, હવે તે પણ જોખમમાં છે. આ મામલે ઇતિહાસ વિભાગના અધ્યાપકો દ્વારા ફેકલ્ટીના વોટ્સએપ ગૃપમાં પણ જાણ કરવામાં આવી છે કે બીજા માળની છત પર રાખવામાં આવેલા સાગ અને શીશમનું ફનચર હવે ગુમ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી આ રીતે ફર્નિંચરનું ગુમ થવુ ગંભીર મુદ્દો છે. સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરીએ સ્થિતિને વધુ ખરાબ કરી દીધી છે. વિભાગના અધ્યાપકોનું કહેવું છે કે અમે યુનિવસટી પ્રશાસનને વિભાગમાં તાત્કાલિક સફાઈ અને જરૃરી રિપેરિંગ કામ માટે તત્કાલ મંજૂરી આપવી જોઇએ જેથી વિભાગના વારસાને અને મૂલ્યવાન સંસાધનોને બચાવી શકાય.