આણંદ જિલ્લામાં બે વર્ષ દરમિયાન 160 સગીરાઓ ગુમ થઇ ગઈ
૪૬ સગીરાની હજૂ ભાળ મળી નથી
મોટાભાગના કેસોમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકો ભગાડી જતાં હોવાનું ખૂલ્યું
આણંદ: આણંદ જિલ્લામાંથી વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન કુલ ૧૬૦ સગીરાઓ ગુમ થઈ હોવાની જિલ્લાના ૨૦થી વધુ પોલીસ મથકોએ ફરિયાદ નોંધાઈ છે. મોટાભાગના કેસોમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકો ભગાડી જતાં હોવાનું પોલીસ તપાસમાં ખુલે છે. ત્યારે હજૂ બે વર્ષમાં ગુમ થયેલી સગીરાઓ પૈકી ૪૬ સગીરાઓની પોલીસને ભાળ મળી નથી. આણંદ જિલ્લામાંથી વર્ષ ૨૦૨૩માં ૯૨ સગીરાઓ અને વર્ષ ૨૦૨૪માં ૬૮ સગીરાઓ ગુમ થઈ હોવાનું જિલ્લાના પોલીસ મથકોએ નોંધાયું હતું. જે અંગે પોલીસે શોધખોળ હાથ ધરી વર્ષ ૨૦૨૩માં ૬૨ સગીરા અને વર્ષ ૨૦૨૪માં ૫૨ સગીરાઓને શોધી લઈ પરત લાવવામાં આવી છે. જ્યારે જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં પુખ્ત વયની ૪૧૫ મહિલાઓ તથા વર્ષ ૨૦૨૪માં ૨૫૪ મહિલાઓ ગુમ થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. જેમાં વર્ષ ૨૦૨૩માં ૩૮૩ મહિલાઓ અને વર્ષ ૨૦૨૪માં ૧૯૭ યુવતીઓને શોધીને પરત લાવવામાં આવી હતી.
નોંધનીય છે કે, સગીરા સહિત મહિલાઓ ગુમ થવા અંગે ૭૦ ટકાથી વધુ ફરિયાદો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાતી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સગીરાને ભગાડનારને ૭થી ૨૦ વર્ષની સખત કેદની સજાની જોગવાઈ
આ અંગે આણંદના વકીલે જણાવ્યું હતું કે, સગીરાઓના ભગાડી જવાના કિસ્સામાં અપહરણ, પોક્સો સહિતની કલમો નોંધવામાં આવે છે. ગુનો સાબિત થાય તો ૭થી ૨૦ વર્ષ સુધીની સખત કેદની સજા થતી હોય છે. મોટાભાગની ઘટનાઓમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. આવા કિસ્સાઓમાં સગીરાને સહન કરવું પડતું હોય છે.
ઘરેથી ભાગી જવા પાછળના જવાબદાર કારણો
* મોબાઈલ અને ઈન્ટરનેટનો વધુ ઉપયોગ
* સંતાનોને અપાતી વધુ છૂટછાટ
* સંતાનો સાથે સંવાદનો અભાવ
* મોજશોખ પુરા થતાં ન હોવાથી
સંતાનો સાથે સંવાદ સાધી જાગૃતિ આપવી જોઈએ
આ અંગે આણંદ જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એસ. બી. કુંપાવતે જણાવ્યું હતું કે, યુવતીઓમાં અભ્યાસનો અભાવ હોવાથી, સોશિયલ મીડિયાના સદ્ઉપયોગના બદલે દુરુપયોગના લીધે આવી ઘટનાઓ વધુ બની રહી છે. માતા-પિતાએ પોતાના સંતાનો કોની સાથે સંપર્કમાં છે, તેમની રોજબરોજની પ્રવૃત્તિનું મોનિટરિંગ કરવું જોઈએ અને સંવાદ કરવો જોઈએ. તેમજ શાળામાં જાગૃતિ અંગે અભ્યાસ કરાવવો જોઈએ.