વડસરમાં ફસાયેલા ૧૬ લોકોને સલામત સ્થળે ખસેડાયા
રેસક્યૂ કરાયેલા લોકો માટે તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઇ
વડોદરા,શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાની કામગીરી આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા આજે ૧૬ વ્યક્તિને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યા હતા.
શહેરમાં વરસેલા ધોધમાર વરસાદ તથા વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગઇકાલે ગુરૃવારે સ્થાનિક તંત્ર, એનડીઆરએફ અને પોલીસની ટીમ દ્વારા વડસરમાંથી કુલ ૧૦૨ વ્યક્તિને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. તેઓ માટે કોર્પોરેશન દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર,વડોદરામાં ગુરૃવાર સુધીમાં કુલ ૨૬૨ વ્યક્તિને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન, આજે શુક્રવારે સવારે પણ વડસરમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. જેના પગલે એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. પાણીમાં ફસાયેલા ૧૬ લોકોને વડસરમાંથી બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં પાંચ પુરૃષ, છ મહિલા, ચાર બાળકો અને એક નવજાત શિશુનો સમાવેશ થાય છે.