વર્ષ-૨૦૧૨માં સૂચવેલ રિંગરોડ માટે ૧૨ વર્ષે તંત્ર જાગ્યું વડોદરાના કુલ ૬૬ કિ.મી. લાંબા રિગરોડ પૈકી પ્રથમ તબક્કામાં ૧૬ કિ.મી.રોડ બનશે
રિંગરોડ માટે કુલ રૃા.૨૧૫ કરોડના ખર્ચ પૈકી પ્રથમ કબક્કામાં રૃા.૧૦૪ કરોડનો ખર્ચ કરવામાં આવશે
વડોદરા, તા.28 વડોદરાની બીજી વિકાસ યોજના વર્ષ-૨૦૧૨માં મંજૂર થઇ ત્યારે તેમાં વડોદરાના વિકાસને ધ્યાનમાં રાખી તે સમયે ૬૬.૦૮ કિલોમીટર લંબાઇના ૭૫ મીટર પહોળાઇનો રિંગરોડ સુચિત કરવામાં આવ્યો હતો. આ રિંગરોડની વાતો લાંબા સમયથી ચાલતી હતી અને આખરે હવે તંત્ર દ્વારા તેને બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
૭૫ મીટરની પહોળાઇના રિંગરોડને બે મુખ્ય રસ્તાઓને જોડી લિંક કરી ફેઝ વાઇઝ કામગીરી કરવાનું કોર્પોરેશન અને વુડા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ હાલમાં કોયલી, સિંઘરોટ અને ચાપડની હદ સુધી ધોરીમાર્ગથી વડોદરા-પાદરા સ્ટેટ હાઇવેને જોડતા રિંગરોડને પ્રથમ ફેઝમાં બનાવવામાં આવશે. પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ ફેઝમાં બનનારા રિંગરોડ માટે પશ્ચિમ વિસ્તારમાં કુલ પાંચ ટીપી સ્કીમો ડ્રાફ્ટ લેવલે હાલ મંજૂર થઇ છે.
૬૬.૦૮ કિલોમીટર લંબાઇના રિંગરોડ પૈકી ૧૬.૮૪૦ કિલોમીટર રિંગરોડ પ્રથમ તબક્કામાં બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ચિમ વિસ્તારના પહેલા તબક્કામાં રિંગરોડની લંબાઇ પૈકી ૮.૨૪૦ કિલોમીટર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર થયેલી અંકોડીયા અને બીલની ટીપી સ્કીમોમાં સમાવેશ થાય છે. આ પૈકી ૪.૫૮ કિલોમીટર લંબાઇના ટેન્ડરની વર્ષ-૨૦૨૨માં તાંત્રિક મંજૂરી મળી ગઇ છે જ્યારે વુડા હસ્તકની ટીપી સ્કીમના ૮.૪૩ કિલોમીટર લંબાઇનો રોડ બનાવવવાનો થાય છે.
પહેલા તબક્કાનો રિંગરોડ બનાવવા માટે કુલ રૃા.૨૧૫.૭૫ કરોડનો ખર્ચ થશે જેમાં રૃા.૧૦૪.૭૨ કરોડના રોડની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ પણ કરી દેવામાં આવી છે અને હજી વધદુ રૃા.૧૦૯.૧૧ કરોડનો ખર્ચ થશે. વુડાની મળેલી બોર્ડ બેઠકમાં કોર્પોરેશન વિસ્તારમાં રિંગરોડ બનાવવા અંગેનો વરાડે પડતો ખર્ચ કોર્પોરેશન પાસેથી જમા લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી.