વિકૃત માનસિકતા ધરાવતા રીઢા આરોપી અજય ઉર્ફે અનિલના મોબાઇલમાં ૧૫૦ જેટલી ગર્લફ્રેન્ડના નામોની યાદી

ગર્લફ્રેન્ડનો શોખીન અજય રોજ રાત્રે વોટ્સએપ કોલ અથવા વીડિયોકોલથી વાતો કરતો હતો

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
વિકૃત માનસિકતા ધરાવતા રીઢા આરોપી  અજય ઉર્ફે અનિલના મોબાઇલમાં ૧૫૦ જેટલી ગર્લફ્રેન્ડના નામોની યાદી 1 - image

વડોદરા, તા.21 મહિલાઓ સાથે મિત્રતા કરી અવાવરૃ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ કરી તેમજ જો કોઇ મહિલા પ્રતિકાર કરે તો હત્યા કરી રૃપિયા તેમજ દાગીનાની લૂંટ કરવાની વિકૃત માનસિકતા ધરાવતા અજય ઉર્ફે અનિલ વાળાને ૧૫૦ જેટલી ગર્લફ્રેન્ડ હોવાનું તેની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કરજણ તાલુકાના કંડારીમાં રહેતી મહિલાને પોર ગામ પાસેથી પોતાની થાર જીપમાં લિફ્ટ આપીને તેની સાથે મિત્રતા કર્યા બાદ તેને બીજી વખત લિફ્ટ આપી ત્યારે મહિલાને ઢોર માર મારી તેના દાગીના અને રોકડ લૂંટી લેવાની ફરિયાદ બાદ જિલ્લા પોલીસે અમદાવાદના નવાનરોડા વિસ્તારમાં રહેતા અજય ઉર્ફે અનિલને ઝડપી પાડયો  હતો. પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઇલફોન કબજે કર્યા હતાં.

પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા રીઢા આરોપી અજય ઉર્ફે અનિલ વાળાને ૧૫૦ જેટલી ગર્લફ્રેન્ડ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. રોજ રાત્રે તે મોબાઇલફોનમાં વોટ્સએપ કોલ અથવા વીડિયોકોલથી વાતો કરતો હતો. વિકૃત માનસિકતા ધરાવતા રીઢા આરોપીની મહિલાઓ સાથે મિત્રતા કરી તેને ભોળવવાની આદત જાણી પોલીસ પણ ચોંકી ગઇ હતી. મહત્વની વાત એ છે કે તેને થોડા સમય પહેલાં જ પ્રેમલગ્ન કર્યા છે તેમજ તેને ચાર માસનો એક પુત્ર પણ સંતાનમાં છે.

જિલ્લા પોલીસે અજય ઉર્ફે અનિલ પાસેથી એક થાર જીપ કબજે કરી હતી આ જીપ તેના મિત્ર પ્રિયાંક ગજ્જરના નામે લીધી હોવાની કબૂલાત કરી હતી જ્યારે અમદાવાદમાં તે જે સ્થળે રહે છે તે મકાન પણ ભાડાનું છે અને તે મકાનનો ભાડાકરાર પણ તેના મિત્ર પ્રિયાંક ગજ્જરના નામે છે. ઉલ્લેખનીય છે કે વરણામા પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેની વધુ તપાસ માટે આજે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.




Google NewsGoogle News