નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક પ્રથમવાર ૧૫ દરવાજા ખોલાયા

સાંજે ડેમની સપાટી ૧૩૫.૪૦ મીટર થઇ ૨.૪૩ લાખ ક્યુસેક પાણીની જાવક, નદી બે કાંઠે વહેતી થઇ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક પ્રથમવાર ૧૫ દરવાજા ખોલાયા 1 - image

રાજપીપળા,નર્મદા ડેમના ઉપરવાસમાં  ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા ગઇકાલે સુધી ડેમના જે ૯ ગેટ ખુલ્લા હતા, તે વધારીને ૧૫ ગેટ ખોલવાની ફરજ પડી છે, જેના લીધે ડેમમાંથી આશરે ૨,૪૩,૯૩૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મોડી રાત સુધીમાં હજી વધુ પાણી છોડાય તેવી શક્યતા છે.

ડેમમાં આજે સાંજે સપાટી ૧૩૫.૪૦ મીટર હતી. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.   ડેમના ઉપરવાસમાં આવેલા વિવિધ ડેમોમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતા ડેમ સત્તાવાળાએ સીઝનમાં પ્રથમવાર ૧૫ ગેટ ખોલવા પડયા છે. ૧૫ ગેટ ૧.૯૫ મીટર ખોલવા પડયા છે.

 હાલ ઉપરવાસમાંથી ૪૮૦૨૩૩ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાલ ગેટમાંથી ૨,૦૦,૦૦૦ ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. એ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસમાંથી ૪૩૯૩૨ ક્યુસેક તેમજ કેનાલ હેડ પાવર હાઉસસમાંથી ૨૩,૧૪૨ ક્યુસેક મળી કુલ ૨,૪૩,૯૩૨ ક્યુસેક પાણી નદીમાં જાય છે. જેથી નદી બંને કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરાયા છે.


Google NewsGoogle News