ક્રૂરતા પૂર્વક બાંધીને લઇ જવાતા ૧૫ પશુઓને બચાવી લેવાયા

પીકઅપ વાનના ડ્રાઇવર, ક્લિનર સહિત ત્રણ સામે ગુનો દાખલ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ક્રૂરતા પૂર્વક બાંધીને લઇ જવાતા ૧૫ પશુઓને બચાવી લેવાયા 1 - image

વડોદરા,પીકઅપ વાનમાં ક્રૂરતા પૂર્વક લઇ જવાતા ૧૫ મૂંગા પશુઓને બચાવી લઇ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે પીકઅપ વાનના ડ્રાઇવર, ક્લિનર તથા પશુઓ ભરી આપનાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આજવા રોડ સયાજીપુરા પાસે ભક્તિ નગરમાં રહેતા કવાભાઇ વજાભાઇ ભરવાડ આજવા ડી - માર્ટની સામે દ્વારકાધીશ ટી સ્ટોલ નામની દુકાન ચલાવે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મને જાણવા મળ્યું હતું કે, ઘોઘંબાથી મૂંગા પશુઓ ભરીને એક પીકઅપ વાન વડોદરા આવવાની છે. જેથી, હું બાઇક લઇને રસુલાબાદ કેનાલ પાસે વોચ રાખીને ઉભો હતો. તે  દરમિયાન પીકઅપ વાન આવતા મેં તેનો પીછો કરી સયાજીપુરા પાંજરાપોળ પાસે ઉભી  રખાવી હતી. ત્યારબાદ મેં ૧૦૦ નંબર પર કોલ કરતા પોલીસ આવી ગઇ હતી. પીકઅપ વાનમાં મૂંગા પશુઓના મોંઢા બાંધી દઇ ખીચોખીચ ભર્યા હતા. પશુઓ હલન - ચલન કરી શકે તેવી સ્થિતિમાં  પણ નહતા. વાનમાં પશુઓ માટે પાણી તેમજ ઘાસચારાની પણ વ્યવસ્થા કરી નહતી. તમામ પશુઓને પાંજરાપોળ ખાતે મૂકી દેવામાં આવ્યા હતા. પોલીસે ડ્રાઇવર આબીદઅલી મુખત્યારઅલી મકરાણી   તથા ક્લિનર જાવેદ ફિરોજભાઇ મલેક ( બંને રહે. રાજગઢ, તા.ઘોઘંબા, જિ.પંચમહાલ) તથા પશુઓ ભરી આપનાર શેખ મોહંમદ સોહેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News