૧૫.૯૮ લાખનો વિદેશી દારૃના કેસમાં નાસતા ફરતા આરોપીઓની શોધખોળ
દારૃ સાથે પકડાયેલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવતી પોલીસ
વડોદરા,ખોડિયાર નગર ત્રણ રસ્તા પાસે આવેલા સોહમ રેસિડેન્સીના એક મકાનમાંથી પોલીસે ૧૫.૯૮ લાખના વિદેશી દારૃ સાથે પકડેલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
બાપોદ પોલીસ ની માહિતી મળી હતી કે, ખોડિયાર નગર ત્રણ રસ્તા પાસે સોહમ રેસિડેન્સીમાં રહેતા રોહિત રતનકુમાર લેડવાણીએ પોતાના ઘરે વિદેશી દારૃનો જથ્થો ઉતાર્યો છે અને તેનું વેચાણ કરી રહ્યો છે. જેથી, પી.આઇ. આર.એમ.સંગાડાની સૂચના મુજબ, સ્ટાફે સોહમ રેસિડેન્સીમાં જઈને તપાસ કરતા મયૂર હરેશભાઈ નેભવાણી (રહે. વિશ્વકર્મા નગર ખોડીયાર નગર) મળી આવ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે મયૂર મકાનને તાળું મારી રહ્યો હતો. મકાન માલિક અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે, તેઓ હાલ અમદાવાદ તેમના ફેમિલી સાથે ગયા છે. મયૂર નેભવાણીને સાથે રાખી મકાનમાં તપાસ કરતા મંદિર વાળા રૃમમાંથી વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો.
તેણે જણાવ્યું હતું કે મકાન માલિક મને તથા નિસર્ગ અશોકભાઈ ચૌહાણે (રહે.સુલેમાનની ચાલી પાસે આજવા રોડ) દારૃ સાચવવા તેમજ વેચાણ કરવા માટે આપ્યો છે. હાલમાં નિસર્ગ તથા સન્ની બહાર ગયા છે. પોલીસે મકાનમાંથી વિદેશી દારૃની ૪૭૫ બોટલ કિંમત રૃપિયા ૧૫.૯૮ લાખ કબજે કરી મયુર નેભવાણી, નિસર્ગ અને રોહિત ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ગુનાની તપાસ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.