મહારાજા સયાજીરાવના પિતા કાશીરાવની છત્રીનો કાંગરો તૂટી પડયો
147 વર્ષ જૂની સ્થાપત્યકલાની દ્રષ્ટિએ બેનમૂન અને એૈતિહાસિક છત્રીમાં મ્યુ.કોર્પોરેશનની બેદરકારીથી ભિખારીઓ અને ભંગારિયાઓનું સામ્રાજ્ય
છત્રીના જે મિનારા પરથી કાંગરો ખરી પડ્યો તે ભાગ તસવીરમાં દેખાય છે |
વડોદરા : કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી બ્રિજના પ્રારંભમાં આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય)ના પિતા શ્રીમંત કાશીરાવ ભીખાજીરાવ ગાયકવાડની છત્રીનો એક કાંગરો આજે સવારે તૂટી પડયો હતો. ૧૪૭ વર્ષ જૂની આ ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટીએ કલાત્મક છત્રીનું અસ્તિત્વ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે જોખમમાં મૂકાયું છે.
કાશીરાવ ગાયકવાડના પ્રપૌત્ર હિમ્મત બહાદુર શ્રીમંત જિતેન્દ્રસિંહ ગાયકવાડે કહ્યું હતું કે 'સયાજીરાવ ગાયકવાડ (તૃતીય) ૧૨ વર્ષની ઉમરે બરોડા સ્ટેટમાં દત્તક આવ્યા હતા તે સૌ કોઇ જાણે છે. મહારાષ્ટ્રના કળવાણાના શ્રીમંત કાશીરાવ ભીખાજીરાવ ગાયકવાડ અને ઉમાબાઇ સાહેબના તેઓ સંતાન હતા.કાશીરાવ ગાયકવાડનું જુલાઇ ૧૮૭૭માં ૫૦ વર્ષની ઉમરમાં જ વડોદરા ખાતે અવસાન થયું હતું ત્યારે સયાજીરાવની ઉમર ૧૪ વર્ષની હતી અને વડોદરાની ગાદી ઉપર બિરાજમાન થઇ ગયા હતા. દિવાન સર ટી. માધવરાવના માર્ગદર્શન હેઠળ સયાજીરાવે પિતાના અંતિમ સંસ્કાર વિશ્વામિત્રી નદીના કાંઠે જ કર્યા હતા અને તે સ્થળે પિતાની યાદમાં છત્રીનું નિર્માણ કરાવ્યું હતું. '
તૂટી પડેલ કાંગરો બતાવતા જીતેન્દ્રસિંહ ગાયકવાડ - કાંગરો તૂટતા છજ્જાને થયેલુ નુકસાન અને શ્રીમંત કાશીરાવ ગાયકવાડ |
'સ્થાપત્યકલાની દ્રષ્ટિએ બેનમૂન અને ઐતિહાસિક આ છત્રીની હાલત મ્યુનિસિપલ કોર્પોરેશને ભંગારના ગોડાઉન જેવી કરી નાખી છે. ૨૪ કલાક ભિખારીઓનો અડ્ડો છત્રી અને તેના આસપાસના પરિસરમાં જામેલો રહે છે. ભંગારિયાઓ અહી ભંગારનો ઢગલો કરી જાય છે. રાત પડતા નશેબાજોનો અડ્ડો જામે છે. કોર્પોરેશને આ છત્રીના સમારકામ માટે કોઇ દરકાર નહીં કરતા અગાઉ પર છત્રીનો એક કાંગરો તૂટી ગયો હતો. આજે વહેલી સવારે બીજો કાંગરો તૂટી પડયો. કાંગરો તૂટતા છત્રીના છજ્જાનો એક ભાગ પણ તૂટી ગયો.'
છત્રી પરીસરમાં ભંગારિયાઓએ કરેલો ભંગારનો ઢગલો |
સોને મઢેલો ૫ કિલો ચાંદીનો અસ્થિ- કુંભ અને ચાંદીની તક્તી ચોરાઇ ગયા
જીતેન્દ્રસિંહ ગાયકવાડે કહ્યું હતું કે 'રાજા મહારાજાઓ જે વારસો છોડીને ગયા છે તેની સરકારને કોઇ કિંમત નથી. કાશીરાવ ગાયકવાડની છત્રી કોઇ સામાન્ય ઇમારત નથી. અષ્ટકોણીય છત્રીમાં કુલ ૮ કમાન છે.
૮ પૈકી ૭ કમાનની જાળી ઇટલિયન રોટ આર્યનથી બનેલી છે.પૂર્વ તરફ આવેલી ૮મી કમાનમાં તાંબાનો દરવાજો હતો, જેના પર ૧૨ ઇંચની ચાંદીની તક્તી હતી,જેના પર સોનાનું રાજચિન્હ હતું. આ આખો દરવાજો અને છત્રીની નીચે જમીનમાં સોનેથી મઢેલો પાંચ કિલો ચાંદીનો કળશ હતો, જેમાં કાશીરાવજીના અસ્થિ રાખવામાં આવ્યા હતા. તેનું ઢાંકણ સોનાનું હતું તે પણ ચોરાઇ ગયો.
કાશીરાવ 8 કલામાં નિપુણ હતા એટલે છત્રી અષ્ટકોણીય બનાવી
છત્રીના નિર્માણ માટે દિવાન સર ટી માધવરાવ, બ્રિટીશ એન્જિનિયર એનોક્સ હિલ અને મેજર મેન્ટ એમ ત્રણ સભ્યોની કમિટી બની હતી.
કાશીરાવ (૧) તલવારબાજી (૨) ભાલાફેંક (૩) કુસ્તી (૪) ઘોડે સવારી (૫) નિશાનબાજી (૬) વેઇટ લિફ્ટિંગ (૭) દાણપટ્ટા અને (૮) મલખંભ એમ આઠ કલામા નિપુણ હતા એટલે છત્રી અષ્ટકોણીય બનાવવામાં આવી.
બરોડા સ્ટેટના સોનગઢ વિસ્તારના પથ્થરમાંથી તૈયાર આ છત્રીમાં કોતરણી મરાઠા રાજપૂત શૈલીની છે, જે રાજસ્થાની કારીગરોએ કરી હતી