માતાની ઉંમરની વિધવા પર બળાત્કાર ગુજારનાર આરોપીને ૧૪ વર્ષની સખત કેદ
મહિલાઓ હવે ઘરમાં પણ સલામત નથી તેવો મેસેજ ફેલાય છે, આવા કૃત્યને સભ્ય સમાજમાં કોઇ સ્થાન નથી : કોર્ટ
સાવલી.સાવલી તાલુકાના એક ગામમાં રહેતી ૫૫ વર્ષની વિધવા પર બળાત્કાર ગુજારનાર ૩૩ વર્ષના આરોપીને કોર્ટે ૧૪ વર્ષની સજા અને ૨૫,૦૦૦ નો દંડ અદાલતે કર્યો છે.
સાવલી તાલુકાના એક ગામમાં ૫૫ વર્ષની વિધવા પોતાના ધર માં સૂઈ રહી હતી. તેમના સંતાનો બહારગામ હતા. તે દરમિયાન આરોપી પ્રવિણ ઉર્ફે ભૂરો ચંપક ભાઈ પરમાર (રહે. લોટના તા. સાવલી, જી. વડોદરા) ઘરમાં ઘૂસી ગયો હતોે. તેણે મહિલાના મોંઢામાં સાલનો ડૂચો દબાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી ફરાર થઈ ગયો હતો . ગભરાયેલી વૃદ્ધાએ ઘરની બહાર આવીને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા.બનાવ અંગે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના પગલે સાવલી પોલીસે આરોપી પ્રવિણ પરમારની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. ત્યારબાદ આરોપી સામે ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ સાવલીના અધિક સેશન્સ જજ જે. એ. ઠક્કરની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ સી.જી. પટેલની દલીલો તથા પુરાવાના મૂલ્યાંકન બાદ અદાલતે આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો. આરોપીને ૧૪ વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ વિકટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ રૃપિયા ૭ લાખની સહાય કરવાની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ને ભલામણ કરી છે. અદાલતે નોંધ્યું હતું કે, આરોપીએ પોતાની માતાની ઉંમર જેટલી મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. આ પ્રકારના કૃત્યને હળવાશથી લેવામાં આવે તો સમાજ સાથે અને સમાજમાં રહેતી તમામ મહિલાઓ સાથે અન્યાય કર્યા બરાબર છે. આ કૃત્ય મહિલાના ઘરમાં ઘુસીને કર્યુ છે. તે રીતે હવે સ્ત્રીઓ ઘરમાં પણ સલામત નથી. તેવો એક મેસેજ સમાજમાં ફેલાય છે. આવા કૃત્યને સભ્ય સમાજમાં કોઇ સ્થાન નથી.