ગાંધીનગર જિલ્લામાં 14 હજાર કુપોષિત અને ઓછા વજનવાળા 11,511 બાળકો
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના છતાં પણ
ચાર તાલુકામાં ૩,૧૧૫ અતિઓછા વજનવાળા બાળકોથી ચિંતાજનક સ્થિતિ જિલ્લાના કેટલાક તાલુકામાં કુપોષિતની સંખ્યા પણ ઘટી હોવાનું સામે આવ્યું
ગુજરાતમાં બાળકોની સાથે રાજ્યનું ભાવી પણ સ્વસ્થ બને તે
માટે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં બાળકોને ખાસ પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે.
એટલુ જ નહીં,વિવિધ
યોજનાઓ અંતર્ગત જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યાંથી જ તેને પોષણ મળી રહે તે
માટેના પ્રયત્નો કરવામાં આવે છે. પંરતુ બાળકોને 'પોષિત'
કરવાની યોજના જાણે બાળકો સુધી પહોંચતી જ ન હોય તેમ જિલ્લામાં કુપોષિત બાળકોની
સંખ્યા ખાસ જોવા મળે છે.
ગાંધીનગર જિલ્લામાં કુપોષિત ગ્રેડમાં ૧૪,૬૨૬ બાળકોનો સમાવેશ થાય છે. જે પૈકી ઓછા વજનવાળા
બાળકોની સંખ્યા ૧૧,૫૧૧ છે
જ્યારે અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા ૩,૧૧૫
છે.હવે તો રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પણ બાળકોને પોષિત કરવાનો અને
તેમને તંદુરસ્ત કરવા માટે વિવિધ કાર્યક્રમો તથા યોજના ચલાવવામાં આવી છે.
મોસાળમાં મા પિરસતી હોવા છતાં ગાંધીનગરમાં કુપોષિત બાળકોની
સંખ્યા અન્ય જિલ્લાઓના પ્રમાણમાં ખાસ જોવા મળી રહી છે. જે સ્થાનિક તંત્ર માટે
શરમજનક બાબત છે. પોષણ સપ્તાહ અને પખવાડિયાની ઉજવણી થાય છે.સ્થાનિકો તિથીભોજન કરાવે
છે,માતાના ગર્ભમાં
હોય ત્યારથી આઇસીડીએસ તથા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ આરોગ્યલક્ષી યોજના
અમલી છે,આશા
બહેનો અને આંગણવાડી બહેનોને વિશેષ મહેનતાણું ચૂકવવામાં આવે છે તેમ છતા કુપોષણનો
ગ્રાફ વધી રહ્યો છે તે ખુબ જ ચિંતાની બાબત છે.
આમ,
ગાંધીનગર જિલ્લામાં સરકાર અને સ્થાનિક કક્ષાએથી પણ કુપોષણને દુર કરવા માટે ઘણા
પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ ગાંધીનગર જિલ્લામાં કુપોષિત બાળકોનો આંકડો
ચિંતાજનકરીતે વધી રહ્યો છે. જિલ્લામાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ ઓછા વજનવાળા
૧૧,૫૧૧ બાળકો છે
જ્યારે અતિઓછા વજનવાળા બાળકોની સંખ્યા ૩,૧૧૫ થઇ
ગઇ છે જે ચિંતાજનક છે.
આંગણવાડીમાં બાળકોને સવારે ગરમ નાસ્તો અને બપોરે ભોજન
કુપોષણ દૂર કરવા માટે સરકાર દ્વારા આંગણવાડીને કેન્દ્રમાં
રાખીને વિવિધ યોજના અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે
ત્રણથી છ વર્ષના બાળકોને સવારનો ગરમ નાસ્તો અને બપોરનું ભોજન આપવામાં આવે છે.
અઠવાડિયામાં બે દિવસ ફળ આપવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યના તમામ ઘટકમાં છ
માસથી ત્રણ વર્ષના બાળકોને બાલશક્તિના ૫૦૦ ગ્રામના એક એવા સાત પેક્ટ્સ, અતિ ઓછા વજનવાળા
બાળકોને બાલ શક્તિના ૫૦૦ ગ્રામના એક એવા ૧૦ પેક્ટ્સ અને ત્રણ થી છ વર્ષના અતિ ઓછા
વજનવાળા બાળકોને બાલ શક્તિના ૫૦૦ ગ્રામના એક એવા ચાર પેકેટ્સ આપવાાં આવે છે.એટલુ જ
નહીં, સત્વ
ફોર્ટિફાઇટ આટો, ફોર્ટિફાઇડ
ચોખા તેમજ ફોર્ટિફાઇટ તેલ પણ પુરુ પાડવામાં આવે છે.
૧૦ વર્ષ દરમિયાન ૪૦ ટકા અતિ ઓછા વજનવાળા બાળકો વધ્યાં
ગાંધીનગર સહિત ગુજરાતમાં કુપોષિત બાળકાની સંખ્યા ઘટી હોવાના
દાવા સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ કુપોષિત
બાળકોની સંખ્યા વધી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં ૧૦ વર્ષ પહેલા તા.૩૧
ડિસેમ્બર,૨૦૧૩ની
સ્થિતિએ ૧૭ હજારથી વધુ બાળકો કુપોષિત હતા તેમાં ઘટાડો થઇને હાલ વર્ષ ૨૦૨૩ અંતિત તે
૧૪,૬૨૬ જેટલા થઇ ગયા
છે.ત્યારે આ દસ વર્ષ દરમ્યાન કુપોષિત બાળકોની સંખ્યા ભલે ત્રણ હજાર જેટલી ઘટી હોય
પરંતુ અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં ચિંતાજનક ૪૦ ટકા જેટલો વધારો થયો છે.
વર્ષ ૨૦૧૩ના અંત સુધીમાં ૧,૮૪૯
જેટલા બાળકો અતિ ઓછા વજન ધરાવતા હતા જ્યારે વર્ષ ૨૦૨૩ના અંતે તે વધીને ૩,૧૧૫ જેટલા થઇ ગયા
છે. જે સરકારની સાથે સમાજ માટે પણ ચિંતાજનક બાબત છે.