14 પંપ મૂકયા પણ સેન્ટ્રલ એસટી ડેપોના બેઝમેન્ટમાંથી પૂરના પાણી ખાલી થયા નથી, લોકોના 800 વાહનો ડૂબ્યાની આશંકા

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
14 પંપ મૂકયા પણ સેન્ટ્રલ એસટી ડેપોના બેઝમેન્ટમાંથી પૂરના પાણી ખાલી થયા નથી, લોકોના 800 વાહનો ડૂબ્યાની આશંકા 1 - image


Vadodara Flooding : વિશ્વામિત્રીમાં પૂર બાદ વડોદરા શહેરના સેન્ટ્રલ એસ.ટી ડેપો પર બસોની અશંતઃ અવર જવર શરૂ થઈ છે પણ એસ.ટી ડેપોના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી છેલ્લા ત્રણ દિવસથી પંપો મૂક્યા પછી પણ નીકળી રહ્યાં નથી. બેઝમેન્ટમાં મુસાફરોના 800 થી 1000 જેટલા ટુ-વ્હીલર પાણીમાં હોવાની આશંકા છે.

વિશ્વામિત્રીના પૂરના પાણી બાદ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. સેન્ટ્રલ એસટી ડેપો પણ આ જ વિસ્તારમાં આવેલો છે અને એસટી બસોનો ઉપયોગ કરતા ઘણા મુસાફરો માટે તથા ડેપોની ઉપર આવેલા મલ્ટીપ્લેક્સ માટે બેઝમેન્ટમાં પાર્કિંગ એરિયા બનાવાયો છે. અહીંયા બે લેવલમાં પાર્કિંગ છે તેમજ પાર્કિંગની ક્ષમતા 2000 વાહનોની છે. 

આ પણ વાંચો : 'ભાજપ હાય... હાય... ગૃહમંત્રી-મુખ્યમંત્રી શરમ કરો', વડોદરામાં કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ

સોમવારે સવારથી ભારે વરસાદ પડવાની સાથે પૂર આવ્યા બાદ પાર્કિંગનુ સંચાલન કરતા કર્મચારીઓએ લોકોને ટુ-વ્હીલર લઈ જવા માટે મેસેજ કર્યા હતા. જોકે ઘણા લોકો ટુ-વ્હીલર અહીંયા મૂકીને બહારગામ ગયા હતા અને તેઓ પાછા ફરી શકે તેવી સ્થિતિમાં નહોતા. ત્રણ દિવસ પૂરની સ્થિતિ બાદ બેઝમેન્ટમાંથી પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે. કુલ મળીને 14 પંપો મૂકવામાં આવ્યા છે પણ બેઝમેન્ટમાંથી પાણી ઓછુ થતું નથી. આમ સેંકડો વાહન ચાલકો પાણી નીકળે તો વાહનો કાઢવા માટે રાહ જોઈને બેઠા છે.

14 પંપ મૂકયા પણ સેન્ટ્રલ એસટી ડેપોના બેઝમેન્ટમાંથી પૂરના પાણી ખાલી થયા નથી, લોકોના 800 વાહનો ડૂબ્યાની આશંકા 2 - image

 આ કામગીરીનુ સંચાલન કરી રહેલા રણવીરસિંહ સીસોદીયાએ કહ્યું હતું કે, કેટલા વાહનો હજી અંદર છે તેનો અંદાજ તો પાણી નીકળ્યાં પછી જ આવશે. અમે આજે તો વધારે શક્તિશાળી પંપ મૂકયા છે પણ પૂરનુ પાણી ઘણું વધારે છે. આજે રાત સુધીમાં પાણી ખાલી થાય તેવી આશા છે.


Google NewsGoogle News