વડોદરામાં છેલ્લા 4 મહિનાથી અપહરણ કરાયેલા 14 સગીરનો પત્તો નથી,એક સગીર કન્યાનું રેસ્ક્યૂ
વડોદરાઃ વડોદરામાંથી ચાર મહિના કે તેથી વધુ સમયથી ગૂમ થયેલા સગીરવયના બાળકોને શોધવા માટે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે અને આ પૈકીની એક સગીર કન્યાનું સૂરતથી રેસ્કયૂ કરવામાં આવ્યું છે.
ગૂમ થતા સગીરવયના બાળકોના કેસમાં માત્ર ગૂમ થવાની ફરિયાદ નહિં પરંતુ અપહરણનો ગુનો નોંધવાનો સુપ્રીમકોર્ટે આદેશ આપ્યા બાદ આવા કિસ્સાઓની તપાસમાં ગંભીરતા આવી છે.આવા અપહ્યુત સગીર ચાર મહિના કે તેથી વધુ સમયથી લાપત્તા હોય તો તેની તપાસ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવે છે.
યુનિટના પીઆઇ ડો.ભાવના પટેલે કહ્યું છે કે,અમારી પાસે હાલમાં આવા ૧૪ કિસ્સાની તપાસ ચાલી રહી છે.જેમાં ૩ બાળકો અને ૧૧ કન્યાઓ છે.આ પૈકી એક સગીરાનું અમે સૂરત ખાતેથી રેસ્ક્યૂ કર્યું છે.
વાડી વિસ્તારમાંથી અપહ્યુત થયેલી સગીર કન્યાનો ૧૧ મહિનાથી પત્તો નહિં હોવાથી એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે તપાસ કરી હતી.જે દરમિયાન કાયદેસરના વાલીપણામાંથી કન્યાનું અપહરણ કરનાર વિજય હાલમાં સગીર કન્યા સાથે સૂરતમાં હોવાની વિગતો મળતાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે લોકેશન શોધી ડાયમંડના કારખાનામાં કામ કરતા વિજય અને અપહ્યુત કન્યાને શોધી કાઢ્યા હતા. આરોપીને વાડી પોલીસને હવાલે કરાતાં તે સગીર છે કે કેમ તેની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે.