વડોદરાઃ આરોગ્ય અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 32 લાખ પડાવનાર ઠગોના બેન્ક ખાતામાં 130 લોકો ફસાયા
સાયબર સેલે તમામ રકમ રિકવર કરી,દોઢ મહિના પહેલાં ગેંગના ચાર જણા પકડાયા હતા
વડોદરાઃ વડોદરામાં થોડા સમય પહેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાના નામે જિલ્લાના એક આરોગ્ય અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી ૩૨.૫૦ લાખ પડાવી લેવાના કિસ્સામાં ઉપયોગ થયેલા બેન્ક એકાઉન્ટમાં અનેક લોકોની ઠગાઇની રકમ જમા થઇ હોવાની વિગતો ખૂલી છે.જ્યારે,આરોગ્ય અધિકારીએ ગુમાવેલી તમામ રકમ રિકવર કરવામાં સફળતા મળી છે.
વડોદરા જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર સાથે થોડા સમય પહેલા ડિજિટલ એરેસ્ટનો બનાવ બન્યો હતો. જેમાં બેંગકોક ખાતે મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને રૃ.૩૨.૫૦ લાખ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા.આ રકમ અધિકારીના ભાઇની હતી અને બનાવ બાદ તેમને એટેક આવ્યો હતો.
સાયબર સેલના પીઆઇ બીરેન પટેલે કહ્યું છે કે,વડોદરામાં ડિજિટલ એરેસ્ટના નામે પડાવેલી રકમમાંથી રૃ.૭.૫૦ લાખ એક ડેટારીમ આઇટી સોલ્યુશન કંપનીના એકાઉન્ટમાં ગયા હતા.જેથી આ એકાઉન્ટની તપાસ કરી તેના બંને ડિરેક્ટર ઇબનુસિયાદ અને અસરફની ધરપકડ કરવામાં આવી હતી.
આ એકાઉન્ટની વધુ તપાસ કરતાં બંને ડિરેક્ટરે એકાઉન્ટ વેચી દીધુ હોવાની અને આ એકાઉન્ટ સામે સાયબરના નેશનલ પોર્ટલ પર જુદાજુદા રાજ્યોમાંથી ૧૩૦ જેટલી ફરિયાદો આવી હોવાની વિગતો ખૂલી છે.જેથી આ એકાઉન્ટમાં લાખો રૃપિયાની ઠગાઇની હેરાફેરી થઇ હોવાથી તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આરોગ્ય અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરવાના બનાવમાં કુલ ચાર પકડાયા હતા
બોગસ કંપની ઉભી કરનાર બે ડિરેક્ટર અને કમિશનના નામે ભાગ પાડનાર બે સાગરીતની ધરપકડ થઇ હતી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
આરોગ્ય અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરવાના બનાવમાં વડોદરા સાયબર સેલે કુલ અગાઉ કુલ ચારની ધરપકડ કરી હતી.પરંતુ ત્યારબાદ તેની ઉપરના લિન્ક સુધી પોલીસ પહોંચી શકી નથી.
ડિજિટલ એરેસ્ટ કરી રૃ.૩૨.૫૦ લાખ પડાવી લેવાના કિસ્સામાં વડોદરા સાયબર સેલે બેન્ક એકાઉન્ટ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે દોઢ મહિના પહેલાં ીના નામે એકાઉન્ટ ખોલનાર નવી મુંબઈમાં રિયલ એસ્ટેટનું કામ કરતા (૧) ઈબનુસિયાદ પી. અબ્દુલ સલિમ અને (૨) અસરફ અલવી (બંને રહે નવી મુંબઈ, ધંધો રીયલ એસ્ટેટ)ને ઝડપી પાડયા હતા.
જ્યારે તે પહેલાં કમિશનના રૃપિયા ટ્રાન્સફર કરી આપનાર વિદ્યાર્થી પ્રિન્સ મહેન્દ્ર રવિપરા (નવકાર પેલેસ,ખડસદ,કામરેજ, સુરત) અને કમિશન પેટે રૃ.૫.૪૭ લાખ મેળવનાર ધીરજ લીંબાભાઇ ચોથાણી (નિકોલ પોલીસ ચોકી પાસે,અમદાવાદ)ને પણ ઝડપી પાડયા હતા.