ધો.12ની પૂરક પરીક્ષા પાસ કરનારાઓને MSUની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળે, વિદ્યાર્થીની ડીન સાથે તડાફડી

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ધો.12ની પૂરક પરીક્ષા પાસ કરનારાઓને MSUની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળે, વિદ્યાર્થીની ડીન સાથે તડાફડી 1 - image


M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત કોમર્સ ફેકલ્ટીમાં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. 

વડોદરામાં ધો.12 કોમર્સની પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6000 કરતા વધારે હતી. આ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને સેંકડો વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમને કોમર્સ ફેકલ્ટી પ્રવેશ આપવા માટે તૈયાર નથી. આમ આ વિદ્યાર્થીઓ હવે નાછૂટકે વડોદરા બહારની સરકારી કોલેજોમાં કે ખાનગી કોલેજોમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. 

જોકે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ અને ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાય કોઈ પણ સંજોગોમાં એફ.વાય.બી.કોમમાં વડોદરાના તમામ વદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે તૈયાર નથી. વાઈસ ચાન્સેલરના જક્કી વલણ સામે વડોદરા સાંસદની ગેરંટીનુ તો પહેલા જ સૂરસૂરિયુ થઈ ગયું છે. સાંસદે મોટા ઉપાડે ખાતરી આપી હતી કે, વડોદરાના વિદ્યાર્થીઓ ધીરજ રાખે. તમામને કોમર્સમાં પ્રવેશ મળશે. 

બીજી તરફ આજે કોમર્સ ફેકલ્ટીમાં નવી કોમ્પ્યુટર લેબના ઉદઘાટન બાદ પૂર્વ ફેકલ્ટી રિપ્રઝન્ટેટિવ નિખિલ સોલંકીએ લેબમાં ઘૂસી જઈને ભારે હંગામો મચાવ્યો હતો. તેણે ડીન કેતન ઉપાધ્યાય સાથે તડાફડી કરી હતી અને એફ.વાય.બી.કોમમાં રીપિટર વિદ્યાર્થીઓને પ્રવેશ કેમ નથી અપાઈ રહ્યો તેવો પ્રશ્ન પૂછીને ડીનને નિઃશબ્દ કરી દીધા હતા. 

- ખાલી બેઠકોનુ શું કર્યુ, તમે રાહ જોઈ રહ્યા છોકે પૂરક પરીક્ષા પાસ કરનારા ખાનગી કોલેજોમાં પ્રવેશ લઈ લે?

કોમર્સનો પૂર્વ ફેકલ્ટી રિપ્રેઝન્ટેટિવ ફેકલ્ટીની નવી કોમ્પ્યુટર લેબમાં ગયો હતો અને તેણે ડીનને આકરા સવાલો પૂછ્યા હતા કે, જીકાસ પોર્ટલ પર અત્યાર સુધી જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે તેમની યાદી કેમ નથી મૂકવામાં આવી? પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે તે માટે પોર્ટલ ખોલવામાં કેમ નથી આવી રહ્યું? છેલ્લા રાઉન્ડમાં ખાલી રહેલી બેઠકોનુ તમે શું કર્યુ? અકળાયેલા ડીને એક તબક્કે આ વિદ્યાર્થીને ગેટ આઉટ કહી દીધું હતું..જોકે વિદ્યાર્થી નિખિલ સોલંકીએ સવાલો પૂછવાનું ચાલુ રાખીને કહ્યું હતું કે, શું તમે રાહ જોઈ રહ્યા છો કે પ્રાઈવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ લે? વિદ્યાર્થીએ પૂછેલા સવાલોનો ડીન પાસે જવાબ નહોતો. 


Google NewsGoogle News