અભ્યાસના ટેન્શનમાં ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીનો ફાંસો ખાઇને આપઘાત
ત્રણ બહેનોના એક ના એક ભાઇએ રક્ષાબંધન પૂર્વે જ જીવન ટૂંકાવી દીધું
વડોદરા,અભ્યાસના ટેન્શનમાં ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે સમા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ન્યૂ સમા રોડની નવરંગ સોસાયટીમાં રહેતા સચ્ચિતાનંદભાઇ સિન્હા એરફોર્સમાંથી નિવૃત્ત થયા છે. તેઓને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો હતા. ૧૮ વર્ષનો દીકરો શિવાંશુ ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. આજે મળસ્કે પિતાએ શિવાંશુના રૃમો દરવાજો ખખડાવતા તેણે ખોલ્યો નહતો.પિતાએ કોલ કર્યો તો પણ પુત્રે કોલ રિસિવ કર્યો નહતો. પિતાએ બળ પૂર્વક દરવાજો ખોલતા તેમનો પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. જે અંગે સમા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,શિવાંશુ ધો.૧૨સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તે નીટની તૈયારી પણ કરી રહ્યો હતો. ઓછા માર્ક્સ આવશે તેવી દહેશતના કારણે તેણે જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી કે મોબાઇલમાંથી કોઇ મેસેજ પણ મળ્યો નથી.