127 વર્ષના પદ્મશ્રી સ્વામી શિવાનંદબાબાના માતા પિતા અને બહેનનું ભુખમરાના કારણે મૃત્યુ થયુ હતું
ગરીબી એટલી હતી કે માતા પિતાએ ચાર વર્ષની ઉમરમાં ગુરૃ ઓમકારાનંદજીને સોંપી દીધા હતા જે બાદ શિવાનંદ બાબા કાશી જતા રહ્યા હતા
વડોદરાની મુલાકાતે આવેલા 127 વર્ષના પદ્મશ્રી સ્વામી શિવાનંદબાબા કહે છે કે અપેક્ષા રહિત જીવનશૈલી દીર્ઘ આયુષ્ય અને આનંદ પ્રાપ્ત કરાવે છે
વડોદરા : યોગ અને સમાજ સેવાના ક્ષેત્રમાં ગત વર્ષે ભારત સરકારે જેમને પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરીને સન્માન કર્યુ તેવા ૧૨૭ વર્ષના સ્વામી શિવાનંદ બાબા વડોદરાની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આજે પ્રથમ દિવસે તેઓએ વડોદરાના વિવિધ મંદિરોની મુલાકાત લીધી હતી. 'વિશ્વના સૌથી આનંદિત અને સૌથી વધુ ઉમરવાળા વ્યક્તિ'તરીકે ઓળખાતા બાબા શિવાનંદજી સાથેની ખાસ મુલાકાત દરમિયાન તેઓએ આજના યુગમાં રોગ રહિત, સુખથી ભરેલુ દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરવા માટેની કેટલીક મહત્વની ટીપ્સ આપી હતી.
૧૨૭ વર્ષની ઉમરે બાબા હવે તમને શું અપેક્ષા છે ?
મને બાળપણમાં પણ કોઇ અપેક્ષા નહતી અને આજે પણ નથી. હકિકતે અપેક્ષા રહિત જીવનશૈલીના કારણે જ હું ૧૨૭ વર્ષનો થયો. અપેક્ષાઓ નહી હોવાના કારણે જ હું આનંદિત અને સુખી છું.
બાબા તમારા દીર્ઘ જીવનનો સારાંશ શું છે ?
મારો જન્મ દારૃણ ગરીબીમાં થયો. ઘરમાં અન્નનો દાણો નહતો. માતા પિતા ભીખ માંગીને જીવન ગુજારો કરતા હતા. ચાર વર્ષની ઉમરે મારા માતા પિતાએ મને ગુરૃ ઓમકારાનંદજીને સોંપી દીધો. તેઓ મને કાશી (વારાણસી) લઇ ગયા. ત્યાં યોગ અને શાસ્ત્રોનો અભ્યાસ શરૃ કર્યો. ૬ વર્ષની ઉમરે હું ઘરે પરત આવ્યો તો તે દિવસે જ મારી બહેને ભૂખમરાના કારણે પ્રાણ ત્યાગ કર્યા હતા. એક મહિનામાં બહેન બાદ માતા અને પિતાનું પણ ભૂખમરાના કારણે મૃત્યુ થઇ ગયુ. હું કાશી પરત જતો રહ્યો. કોઇ પાસેથી પૈસા લેવા નહી, દાન-દક્ષિણા લેવી નહી, કોઇ અપેક્ષાઓ રાખવી નહી. સ્વયં પર નિર્ભર રહીને માનવજાતના કલ્યાણ માટે અને રોગીઓ માટે સેવા કરવી એ મારા જીવનનો ધ્યેય અને સારાંશ છે.
દીર્ઘ આયુષ્ય સ્વસ્થ જીવન કઇ રીતે પ્રાપ્ત થઇ શકે ?
સૂર્યોદય પહેલા ઊઠી જવાનું, વહેલી સવારે એક કલાક યોગ કરવાના, સંસારીઓએ શક્ય હોય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, શુધ્ધ શાકાહારી તેલ, મીઠું અને મરચુ ના હોય તેવુ બાફેલુ ભોજન લેવું. ગરીબોને નથી મળતુ એટલે મે ઘી, તેલ,દુધ, મીઠાઇ અને ફળોનો ત્યાગ કર્યો છે. દિવસ દરમિયાન ક્યારેય ઊંઘ કરવી નહી. (ઉલ્લેખનીય છે કે બાબાએ આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યુ છે)
1896 માં બાંગ્લાદેશના સીલ્હટમાં જન્મ થયો હતો, ગુરૃની આજ્ઞાાથી સન 1925માં યોગના પ્રચાર માટે તેઓ લંડન ગયા હતા
સ્વામી શિવાનંદજીનો જન્મ તા. ૮ઓગષ્ટ ૧૮૯૬ના રોજ સીલ્હટ (હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. હાલ તેમની ઉંમર ૧૨૭ વર્ષ છે. સાદાં, સરળ, તણાવમુક્ત અને ઇચ્છામુક્ત જીવન દ્વારા દીર્ઘાયુષ્યનો આદર્શ રચનાર સ્વામી શિવાનંદજીે ભારત સરકારે વર્ષ ૨૦૨૨માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
127 વર્ષની વયે પણ નિયમિત યોગાભ્યાસ અને યોગ પ્રશિક્ષણ ઉપરાંત રક્તપિતનાં દર્દીઓની સેવામાં સતત વ્યસ્ત રહે છે