વડોદરામાં ઉત્તરાયણ નિમિત્તે કરુણા અભિયાન હેઠળ 126 પક્ષીઓના જીવ બચાવ્યા
- 140 પક્ષીઓ સારવાર માટે લવાયા હતા જેમાંથી 14 ના મૃત્યુ થયા
- 1962 ની સાત એમ્બ્યુલન્સ દ્વારા 96 વર્ધી એટેન્ડ કરાઈ
વડોદરા,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર
ઉત્તરાયણ નિમિત્તે અબોલ પક્ષીઓની હાલત પતંગ-દોરી કારણે કફોડી બને છે. જેમાં દોરીથી ગળું અને પાંખો કપાઈ જવાના પણ બનાવો જીવલેણ સાબિત થાય છે. ઉત્તરાયણના દિવસે વડોદરામાં કરુણા અભિયાન અંતર્ગત 140 પંખીઓ ઘવાયેલી હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 14 ના મૃત્યુ થયા હતા અને 126 ના જીવ બચાવી લેવાયા હતા. જે 14 ના મૃત્યુ થયા તેમાં 1 બગલો અને 13 કબૂતરનો સમાવેશ થાય છે. ઘવાયેલા પક્ષીઓમાં કબૂતર, સમડી, બગલો, કાગડો, કાકણસાર અને પોપટ હતા.
વડોદરામાં કરુણા અભિયાન અંતર્ગત 58 કેન્દ્ર ઉભા કરવામાં આવેલા ,જેમાંથી ત્રણ સ્થળે સારવાર આપવા વ્યવસ્થા ઊભી કરાઈ હતી. પક્ષીઓની સારવાર બાદ તેને સલામત પિંજરામાં રાખવામાં આવે છે, અને પાંચ દિવસ સંભાળ રાખ્યા બાદ સ્વસ્થ થતા ફરી ઉડાડી મુકવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત ડોક્ટરો સહિત 20 ની ટીમ કામે લાગી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ EMIR ગ્રીન હેલ્થ સર્વિસની 1962 હેલ્પલાઇન થકી એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું કરુણા અભિયાનમાં જોડાયું છે. વર્ષ 2024 દરમ્યાન કરુણા અભિયાન અંતર્ગત 816 પશુપક્ષીઓ સારવાર કરીને જીવ બચાવાયો હતો. માત્ર ઉત્તરાયણ નિમિત્તે તા.14 અને 15 ના રોજ 130 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. આ વખતે વડોદરામાં 7 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેમાં ઉતરાયણના દિવસે સાત એમ્બ્યુલન્સ દ્વારા 96 વર્ધી એટેન્ડ કરવામાં આવેલી હતી. જેમાંથી 51 પશુઓની હતી. પશુઓની વર્ધી આમ પણ રૂટિનમાં આવતી જ હોય છે. આ ઉપરાંત 45 પક્ષીઓની વર્ધી હતી. પક્ષીઓની વર્ધી મોટાભાગે પતંગના દોરથી ઘાયલ થવાની હતી. પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતા રોકવા માટે કરુણા અભિયાન તરફથી લોકોને સવારે 10 પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ પક્ષીઓનો પોતાના માળામાંથી જવા અને આવવાનો સમય હોવાથી સવારે 10 થી સાંજે 6 સુધી પતંગબાજી કરવા અનુરોધ કરાયો હતો.