કોર્પોરેશનનું 1259.85 કરોડનું બજેટ મંજૂર
ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને દર મહિને રૃપિયા ૧૫૦૦ આપવામાં આવશે
બે હેલ્થ સેન્ટરમાં તાત્કાલિક અસરથી એક્સરે મશીન મુકાશે હવે ત્રણેય ઝોનમાં જીમખાના અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે બજેટલક્ષી સામાન્ય સભા
બોલાવવામાં આવી હતી. જેમાં નિર્ધારિત સમય કરતા ૨૫ મિનિટ મોડી શરૃ થયેલી આ સભામાં
સ્થાયી સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૪ ૨૫નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ચેરમેન દ્વારા
સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ અધ્યક્ષ સ્થાનેથી મેયર હિતેશ મકવાણા દ્વારા
તેમાં જરૃરી સુધારા વધારા કરવામાં આવ્યા હતા જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા
વિસ્તારમાં ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકોને દર મહિને ૧૫૦૦ રૃપિયા કોર્પોરેશન
દ્વારા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસ ધરાવતા બાળકોના પરિવારજનોને
મહિને આઠથી દસ હજાર રૃપિયાનો ખર્ચો થતો હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા આથક
સહાયરૃપે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એક એપ્રિલથી આ યોજના શરૃ કરવામાં આવશે
અને તે માટે ૧૮ વર્ષ સુધીના બાળકોના પરિવારજનો આરોગ્ય શાખામાંથી ફોર્મ મેળવીને
ડોક્ટરના જરૃરી સટફિકેટ તેમજ રહેણાક સહિતના પુરાવા સાથે ફોર્મ પરત આપી શકશે. બાળક
૧૮ વર્ષનો થાય ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા પંદરસો રૃપિયા આપવામાં આવશે તો
ગાંધીનગર શહેરને ટીબી મુક્ત બનાવવા માટે પણ કોર્પોરેશન મથી રહ્યું છે અને દર્દીઓના
ગળફાની તાત્કાલિક તપાસ થાય તે માટે મેયર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના રિવાઇઝ બજેટમાંથી
બે એક્સ-રે મશીન ખરીદીને બે હેલ્થ સેન્ટરમાં મુકવા માટે પણ જોગવાઈ કરવામાં આવી
હતી. એટલું જ નહીં નવા વર્ષ ૨૪-૨૫ના બજેટમાં તમામ હેલ્થ સેન્ટરમાં એક્સરે મશીનની
સુવિધા મળે એ પ્રકારે આયોજન કરવા પણ બજેટમાં જોગવાઈ કરાવી હતી. તો સ્થાયી સમિતિ
દ્વારા જીમખાન અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સની સુવિધા માટે ચાર કરોડની જોગવાઈ
સૂચવવામાં આવી હતી. જેમાં સુધારો કરીને મેયર દ્વારા કોર્પોરેશનના ત્રણે ઝોનમાં
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જીમખાના ઉભા કરવા જોગવાઈ કરીને એક કરોડ રૃપિયાનો વધારો
કર્યો હતો ત્યારબાદ આ બજેટને મંજૂરી અર્થે મુકવામાં આવતા ૧૨૫૯.૮૫ કરોડ રૃપિયાનું
બજેટ સર્વાનુંમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
બજેટમાં આરોગ્ય,
શિક્ષણ અને સ્વચ્છતા ઉપર ભાર મૂક્યોઃમેયર
કોર્પોરેશનનું ૧૨૬૯.૮૫ કરોડ રૃપિયાનું બજેટ મંજૂર કરીને
મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે,
અમે આરોગ્ય શિક્ષણ અને સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને
લોકોની સુખાકારી માટે બજેટ રજૂ કર્યું છે. અગાઉ વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૬૦ કરોડ
રૃપિયાનું બજેટ હતું જેને વધારીને હાલ ૧૨૬૦ કરોડ સુધી લઈ જવામાં આવ્યું છે. લોકોના
હિતને ધ્યાને રાખીને રજૂ કરાયેલું આ આ સર્વસમાવેશી બજેટ ગાંધીનગરના વિકાસને વધુ
વેગવંતો બનાવશે.