વડોદરામાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં 125 ટેન્કર પાણી ઠાલવ્યું, હજી કામગીરી ચાલુ

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
વડોદરામાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં 125 ટેન્કર પાણી ઠાલવ્યું, હજી કામગીરી ચાલુ 1 - image

Water Shortage in Vadodara : વડોદરા શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની ભારે હાડ મારી છે અને આવી પરિસ્થિતિ વચ્ચે પણ ગઈકાલથી પૂર્વ વિસ્તારમાં જ આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં ટેન્કરોથી પાણી ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આજ બપોર સુધીમાં 125 ટેન્કરો પાણીની ઠાલવી દીધી છે છતાં હજુ સ્વિમિંગ પૂલ ખાલી જ દેખાય છે. આ વિસ્તારના વોર્ડ નંબર 15 ના ભાજપના કોર્પોરેટરના કહેવા મુજબ હજુ બીજા 200 ટેન્કર પાણીના ઠાલવવા પડે તેમ લાગે છે. શહેરમાં વોર્ડ નંબર 15 માં આશરે 1 લાખની વસ્તી છે અને આ લોકોની પાણીની પ્રાથમિક સુવિધા અને પ્રાધાન્ય આપવાના બદલે માત્ર સ્વિમિંગ માટે આવતા 400 લોકોની સુવિધા નો વિચાર કરવો એ જરા હાસ્યસ્પદ લાગે છે, કારણ કે હાલ ચૂંટણીનો સમય છે અને ડોર ટુ ડોર ફેરણીમાં પ્રચાર માટે જઈએ છીએ ત્યારે લોકો સીધી વાત પાણી મુદ્દે જ કરે છે. જેનો જવાબ આપવો અઘરો થઈ પડે છે. લોકો કોર્પોરેટર ઉપર માછલા ધોવે છે. ચૂંટણી સુધી સ્વિમિંગ પૂલમાં ટેન્કરો દ્વારા પાણી નાખવાનું બંધ કરી દેવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે નાલંદા ટાંકીનો સંપ 18 ફૂટ ભરાય તો બે ફૂટ પાણી બચત રહેતા તે સપ્લાય સ્વિમિંગ પૂલને કરી શકાય છે, પરંતુ હાલ સાડા 16 ફૂટ પાણી ભરાય છે એટલે જથ્થાની ઘટ રહે છે. બીજું કે ટાંકીથી સ્વિમિંગ પૂલ પોણો કિલોમીટર દૂર છે અને પુલમાં પાણી ભરવા વર્ષો જૂની લાઈન નાખેલી છે. આ લાઈનના ચાર પાંચ વાલ્વ લીકેજ છે અથવા તો ઢીલા પડી ગયા છે. જેના કારણે ટાંકીથી પાણી સ્વિમિંગ પૂલ તરફ આપતા આજુબાજુની લાઈનોમાં જ 70% પાણી જતું રહે છે, અને પુલમાં માત્ર 30 ટકા જ પાણી પહોંચે છે. જેનો કોઈ મતલબ જ નથી. સળંગ 15 દિવસ સુધી ટાંકીથી પાણી અપાય તો જ સ્વિમિંગ પૂલ ભરી શકાય તેમ છે. હાલ 125 ટેન્કર પાણી નાખ્યું છે, તેમાં નાલંદા ટાંકીથી બે દિવસ સુધી 20  મિનિટ સુધી પાણી આપેલું હતું તેનો પણ જથ્થો છે. આ ટેન્કરો 5000 ની નહીં પરંતુ 12,000 લીટરની ક્ષમતા વાળી ફાયર બ્રિગેડમાં ઉપયોગમાં લેવામાં આવે તે છે. જેના પરથી કલ્પી શકાય કે સ્વિમિંગ પૂલ માં કેટલું પાણી ઠાલવવું પડશે.

 વડોદરામાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં 125 ટેન્કર પાણી ઠાલવ્યું, હજી કામગીરી ચાલુ 2 - image

તંત્રે પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવો જોઈએ. થોડા દિવસ અગાઉ પૂર્વ વિસ્તારમાં પાણીની ભયાનક કટોકટી ઊભી થઈ હતી. લોકોને બે દિવસ પાણી જ નહોતું મળ્યું, ત્યારે આવી રીતે શહેર ભરમાંથી ટેન્કરો દોડાવીને પાણી કેમ આપ્યું નહીં તે સવાલ પણ તેમણે કર્યો છે. રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં પાણી ભરાયા બાદ ફિલ્ટરની કામગીરી કરાશે અને ત્યારબાદ બે-ત્રણ દિવસે સ્વિમિંગ પૂલ ચાલુ થશે તેમ જણાઈ રહ્યું છે. દરમિયાન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ લાલબાગ સ્વિમિંગ પૂલમાં 20 ટેન્કર પાણી ઠાલવ્યા બાદ પાણી નાખવાનું બંધ કર્યું છે. રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલની કામગીરી પૂરી થયા બાદ લાલબાગની કામગીરી હાથ પર લેવાશે. તેમના કહેવા મુજબ હાલ ગરમીની સિઝનમાં સમગ્ર શહેરમાં પાણીની તકલીફ હોય ત્યારે લોકોને પીવાનું અને ઘર વપરાશનું પાણી પૂરતું મળે તે માટે તંત્ર દ્વારા પ્રાથમિકતા અપાય તે જરૂરી છે.



Google NewsGoogle News