વડોદરામાં ફેબ્રુઆરી સુધીમાં ૧૨૦૦૦ કરતા વધારે લગ્નોનું આયોજન
વડોદરાઃ તા.૨૭ નવેમ્બરે દેવ દિવાળીની ઉજવણી બાદ શહેરમાં લગ્નસરાની સીઝન પણ પૂરબહારમાં જામશે.આ વખતે ફેબુ્રઆરી સુધી ચાલનારી શિયાળાની લગ્ન સીઝનમાં વડોદરામાં ૧૨૦૦૦ કરતા વધારે લગ્નો લેવાય તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.
આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા જાણકારોના કહેવા અનુસાર દેવ દિવાળી બાદ તા.૨૮ અને ૨૯ નવેમ્બર, તા.૩ થી ૬ ડિસેમ્બર તેમજ તા.૧૫ થી ૧૭ ડિસેમ્બર, જાન્યુઆરી મહિનામાં તા.૪ થી ૬ અને તા.૧૯ થી ૨૮ વચ્ચે તથા ફેબુ્રઆરી મહિનામાં તા.૨ થી ૮ અને તા.૧૨ થી ૧૮ વચ્ચે સંખ્યાબંધ લગ્ન પ્રસંગોનુ આયોજન થશે.
વડોદરા અને તેની આસપાસના પાર્ટી પ્લોટ, હોટલો અને બેન્ક્વેટ હોલનુ આ માટે લોકોએ બૂકિંગ કરાવ્યુ છે.એક અંદાજ પ્રમાણે આવા ૩૦૦ સ્થળો છે અને ફેબુ્રઆરી સુધીની સીઝનમાં ૧૨૦૦૦ કરતા વધારે લગ્નોનુ આયોજન થશે.હવે મોટાભાગે લોકો ઉનાળાની જગ્યાએ શિયાળાની સીઝનને વધારે પ્રાધાન્ય આપે છે.આ સિઝનમાં યોજાનારા ૮૦ ટકા લગ્નો રાત્રીના સમયના છે.હવે બહુમતી લોકો લગ્ન આયોજનો માટે રાત્રીનો સમય જ વધારે પસંદ કરે છે.
સાથે સાથે ડિસેમ્બર તેમજ જાન્યુઆરી મહિનામાં કમોસમની વરસાદનો ડર પણ રહેતો હોય છે.જેના કારણે લોકો ઓપન પાર્ટી પ્લોટની સાથે સાથે બેન્ક્વેટ હોલના બૂકિંગ માટે પણ પૂછપરછ કરી રહ્યા છે અને ઘણા બેન્કવેટ હોલ બૂક થવા પાછળનુ મુખ્ય કારણ વરસાદની જ બીક છે.
જાણકારોના કહેવા અનુસાર ગત વર્ષે લગ્ન સીઝનમાં એનઆરઆઈના લગ્નો માટે ભારે ધસારો જોવા મળ્યો હતો.આ વખતે અત્યાર સુધીના બૂકિંગમાં એનઆરઆઈનુ પ્રમાણ ઓછુ રહ્યુ છે.અત્યાર સુધીના લગ્ન બૂકિંગમાં એનઆરઆઈ દ્વારા થયેલા બૂકિંગનુ પ્રમાણ ૧૦ થી ૧૫ ટકા રહ્યુ છે.