રામલલ્લાના દર્શનાર્થે વડોદરાથી 1200 રામ ભક્તો અયોધ્યા જવા રવાના: રેલ્વે સ્ટેશન જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું
વડોદરા,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
આજે બપોરે વડોદરા રેલવે સ્ટેશનથી અંદાજે 1200 જેટલા રામ ભક્તો અયોધ્યામાં તૈયાર થયેલ નવીન રામ મંદિરના દર્શનાર્થે જવા પ્રસ્થાનકર્યું હતું ત્યારે રેલવે સ્ટેશનનો માહોલ રામમય બની ગયો હતો.. અહીંથી રવાના થયા થનાર રામભક્તોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયા બાદ તેઓને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી.
અયોધ્યામાં ભગવાન શ્રીરામના નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ હાલ ત્યાં દર્શનાર્થે ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો પહોંચી રહ્યા છે. વડોદરામાં પણ અસંખ્ય રામ ભક્તો દર્શનાર્થે જવા ખૂબ ઉત્સુક છે. આ માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. આજે બપોરે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેન અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી તે અગાઉ અંદાજે 1200 જેટલા રામભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રામલલાના દર્શન કરવા રવાના થયા હતા.
રામ મંદિર પ્રવાસના સંયોજક અને ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરેએ જણાવ્યું હતું કે,તમામ રામ ભક્તોનો પાંચ દિવસનો પ્રવાસ અયોધ્યા ખાતેનો રહેશે. તારીખ 14ના રાત્રીના સમયે રામ ભક્તો વડોદરા પરત આવશે. તેઓ ભગવાન શ્રીરામનો પ્રસાદ લાવ્યા હશે તે શહેર જિલ્લાની 1500 જેટલી સોસાયટીઓમાં વિનામૂલ્ય તેનું વિતરણ કરાશે અને આ સાથે લોકોમાં ભગવાન શ્રીરામમાં દ્રઢ આસ્થા ઊભી કરવાનો પ્રયાસ થશે.