વડોદરામાં જર્જરીત મકાનો માટે 1200ને નોટિસ પરંતુ પદ્માવતીના વેપારીઓને આચાર સંહિતા અને વૈકલ્પિક જગ્યાના બહાને નોટીસ આપવામાં વિલંબથી વિવાદ
વડોદરા,તા.22 માર્ચ 2024,શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માંજલપુર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના 1200 મકાનો ખાલી કરવા સ્થાનિક રહીશોને નોટિસ આપી છે તો બીજી બાજુ પદ્માવતી શોપિંગ સેન્ટરના 290 વેપારીઓને નોટિસ આપવાના મુદ્દે આચાર સંહિતા અને વૈકલ્પિક જગ્યાના બહાને વિલંબ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો બહાર આવતા વડોદરા કોર્પોરેશનની બેવડી નીતિથી વિવાદ સર્જાયો છે.
વડોદરા શહેરમાં અંદાજે 5000 થી વધુ જર્જરીત ઈમારતો આવેલી છે પરંતુ કોર્પોરેશન દ્વારા માત્ર 2000 ઇમારતોને નોટિસ આપવામાં આવી છે તેમાં તો કેટલાક મકાનો ઉતારી લેવા પડે તેવી પરિસ્થિતિ હોવા છતાં માત્ર નોટીસ આપીને કોર્પોરેશનને સંતોષ માન્યો છે ત્યારે ગઈકાલે હાઉસિંગ બોર્ડના માંજલપુર સ્થિત ત્રણ વસાહતના 1200 પરિવારોને મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી ખાલી કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા નોટિસો આપવામાં આવી હતી જેને કારણે સ્થાનિક રહીશો વિમાસણમાં મુકાઈ ગયા છે.
વડોદરા માંજલપુર વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતને આચાર સંહિતામાં નોટિસો આપી શકાતી હોય તો પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી નાખવાનો સ્થાયી સમિતિમાં ઠરાવ પણ થઈ ગયો છે. ત્યારબાદ કોર્પોરેશનના બિલ્ડીંગ વિભાગના કાર્યપાલક ઇજનેરએ પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી પદ્માવતી શોપિંગ સેન્ટરના આવેલા સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જર્જરીત હાલતમાં ઇમારત હોવાથી તાત્કાલિક અસરથી તે ખાલી કરાવવા જરૂરી નોટીસ આપીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
પૂર્વ ઝોનમાંથી પદ્માવતી શોપિંગ સેન્ટરના 290 વેપારીઓને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ થાય તે અગાઉ જ આચારસંહિતા લાગી ગઈ હતી તે અગાઉ પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને વૈકલ્પિક જગ્યા આપવા અંગે રજૂઆત કરી હતી તો બીજી બાજુ સ્થાયી સમિતિમાં થયેલા ઠરાવ મુજબ પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી નાખવાનું નક્કી થયું હતું પરંતુ કારેલીબાગ વિસ્તારમાં વૈકલ્પિક જગ્યાના મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં એટલું જ નહીં અકોટા સયાજીનગર ગૃહની બાજુમાં કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં હંગામી ધોરણે શેડ બાંધી વૈકલ્પિક જગ્યા આપવાનું નક્કી થયું હતું પરંતુ ભાજપની મળેલી સંકલન સમિતિમાં પક્ષના એક હોદ્દેદાર અને તે વિસ્તારના આગેવાને આ જગ્યા નહીં ફાળવવા સ્પષ્ટ જણાવી દીધું હતું.
કોર્પોરેશનનું તંત્ર એક બાજુ માંજલપુર વિસ્તારની ગુજરાત હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના રહીશોને થઈ ગયેલા મકાનોને કારણે ખાલી કરવા નોટિસો આપે છે કોર્પોરેશનના બિલ્ડીંગ વિભાગ દ્વારા પૂર્વ ઝોનના અધિકારીને પત્ર લખી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી પાડવા વેપારીઓને નોટિસ આપવા જણાવવામાં આવે છે ત્યારે બીજી બાજુ આચારસંહિતા અને વૈકલ્પિક જગ્યાના બહાના હેઠળ પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાની પ્રક્રિયા પર બ્રેક લગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.