એફવાયબીકોમમાં નાપાસ ૧૨૦૦ વિદ્યાર્થીઓને એસવાયમાં ભણવાનો મોકો મળશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાય ઓનર્સમાં ભણતા વિદ્યાર્થીઓના એટીકેટીના નવા નિયમના કારણે કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને એસવાયમાં ભણવાનો મોકો મળશે.
યુનિવર્સિટીના નવા નિયમ પ્રમાણે એફવાયમાં જે વિદ્યાર્થીએ ૪૪થી ઓછી પણ ૨૮ કરતા વધારે ક્રેડિટ મેળવી હોય તે વિદ્યાર્થી નાપાસ નહીં ગણાય પણ એટીકેટી સાથે એસવાયમાં અભ્યાસ કરી શકશે.જૂના નિયમમાં એફવાયમાં એક પણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીને એસવાયમાં અભ્યાસ કરવાની છૂટ નહોતી અને તેના કારણે એફવાયબીકોમના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.નવા નિયમ પ્રમાણે આ પૈકીના ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ એટીકેટી સાથે એસવાયમાં અભ્યાસ કરી શકશે.નવા નિયમ પ્રમાણેનું પરિણામ આવતીકાલે જાહેર થાય તેવી શક્યતાઓ છે.
જોકે નિયમમાં ફેરફાર કરવામાં યુનિવર્સિટી સત્તાધીશોએ કરેલા વિલંબના કારણે આ ૧૨૦૦ વિદ્યાર્થીઓ માટે આગળ કપરા ચઢાણ છે.કારણકે એસવાયની મિડ સેમેસ્ટર પરીક્ષા પૂરી થઈ ગઈ છે.એટીકેટી મેળવનારા આ વિદ્યાર્થીઓની મિડ સેમેસ્ટર પરીક્ષા ફરી લેવાશે.એટલું જ નહીં આગામી દિવસોમાં એસવાયની એન્ડ સેમેસ્ટર પરીક્ષા શરુ થવાની છે.જેની તૈયારી માટે પણ આ વિદ્યાર્થીઓને પૂરતો સમય મળવાનો નથી.
જાણકારોનું કહેવું છે કે, નવો નિયમ અમલમાં લાવવામાં સત્તાધીશોએ કરેલો બિન જરુરી વિલંબ રહી રહીને એટીકેટી મેળવનારા વિદ્યાર્થીઓને ભારે પડવાનો છે. સત્તાધીશોએ વિદ્યાર્થીઓના ચેડા કર્યા હોવાની લાગણી ખુદ અધ્યાપક આલમમાં પ્રવર્તી રહી છે.