વડસર ગામ ગૌચરમાં રહેતા ૧૨૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા
ઘર છોડીને ફૂટપાથ પર રહેતા લોકો માટે રાતે ભોજનની પણ વ્યવસ્થા કરાઇ
વડોદરા,વરસાદી પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે પોલીસ આખો દિવસ દોડતી રહી હતી. કેટલાક સ્થળોએ પોલીસે લોકોને તરાપાની મદદથી બહાર કાઢ્યા હતા. તેમજ કેટલાક સ્થળોએ ઘર વિહોણા થયેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગઇકાલે આખો દિવસ ધોધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારમાં શ્રમજીવી લોકોને ઘર છોડીને ફૂટપાથ પર કે અન્ય સ્થળે રાત વિતાવવી પડી હતી. રોજ કમાઇને રોજ જમતા પરિવારો ભૂખ્યા હોવાની જાણ થતા પોલીસ તંત્ર સક્રિય થયું હતું. કપુરાઇ પોલીસ સ્ટેશનના પી.આઇ. કે. કે. જાદવે આવા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી તેઓને જમાડયા હતા.
વરસાદી પાણીના કારણે વડસર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. પાણીનું સ્તર સતત વધતા વડસર ગૌચર વિસ્તારમાં રહેતા ૧૨૦ લોકો ફસાયા હતા. જેની જાણ થતા માંજલપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. એલ.ડી. ગમારા અને તેમના સ્ટાફે સ્થળ પર જઇને તરાપાની મદદથી તમામ લોકોને સલામત સ્થળે ખસેડયા હતા.