નર્મદા નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયા વ્યાસબેટ મંદિરના પૂજારી સહિત૧૨ લોકોએ દિવસ-રાત ઉભડક જીવે વિતાવી

તંત્ર દ્વારા એરલિફ્ટની બાંહેધરી બાદ આખો દિવસ હેલિકોપ્ટરની મદદ ના મળતાં તમામ લોકોના જીવ તાળવે ચોંટયા (પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
નર્મદા નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયા  વ્યાસબેટ મંદિરના પૂજારી સહિત૧૨ લોકોએ દિવસ-રાત ઉભડક જીવે વિતાવી 1 - image

વડોદરા તા.17 નર્મદા નદીમાં ઘોડાપૂરના પગલે શિનોર તાલુકામાં બરકાલ ગામ પાસે વ્યાસબેટ ખાતે મહાદેવ મંદિરના પૂજારી સહિત કુલ ૧૨ લોકો ફસાઇ ગયા છે. ગઇરાત્રિથી આજે રાત્રિ સુધી એટલે કે ૨૪ કલાક નર્મદા નદીના ઘસમસતા પાણીના પ્રવાહની વચ્ચે તમામ લોકો ઉભડક જીવે તંત્ર બચાવવા માટે આવે તેવી સતત કાકલૂદી કરતાં રહ્યા  હતાં.

ઉલ્લેખનીય છે કે બરકાલ ગામથી નર્મદા નદીની અંદર વ્યાસબેટ નામે પૌરાણિક ધાર્મિક સ્થળ આવેલું છે. આ સ્થળે મંદિરના પૂજારી સહિત કુલ ૧૨ લોકો ગઇસાંજે ત્યાં હતા અને ત્યારબાદ નર્મદા નદીમાં ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ઝડપથી નદીનું જળસ્તર વધતા વ્યાસબેટની ચારેબાજુ પાણી પાણી થઇ ગયા હતાં. જોતજોતામાં મંદિર તેમજ પૂજારી જે સ્થળે રહેતાં હતા તે સ્થળે પાણી પ્રવેશતા પૂજારી તેમજ પરિવારના સભ્યો જીવ બચાવવા માટે અગાસી પર પહોંચી ગયા હતા અને મદદ માટે તંત્રને પોકાર કર્યો હતો.

મંદિરના પૂજારી હર્ષદગિરિએ જણાવ્યું હતું કે અમે તંત્રનો સંપર્ક કરતાં એવી બાંહેધરી આપવામાં આવી હતી કે તમને બચાવવા માટે એરફોર્સની મદદ માંગવામાં આવી છે. ગઇકાલથી અમે ઉભડક જીવે સમય પસાર કરી રહ્યા છે. અમારી સાથે બે બાળકો છે જે ખૂબ ગભરાઇ ગયા છે. આજે સવારે હેલિકોપ્ટર બચાવવા આવશે પરંતુ તે આવ્યું ન હતું જ્યારે બપોર અને સાંજે પણ હેલિકોપ્ટરની કોઇ વ્યવસ્થા થઇ શકી ન હતી.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે અમે ગઇકાલે જ રાહત કમિશનરને હેલિપેડની માંગણી લેખિતમાં કરી તેઓ સાથે વાત પણ કરી હતી. અમને બચાવ કામગીરી માટે હેલિકોપ્ટરની સેવા જામનગર, અમદાવાદ અથવા સુરત ખાતેથી મળવાની હતી પરંતુ તે સ્થળે ખરાબ વાતાવરણના કારણે તે મળી શકી ન હતી. બાદમાં આર્મીની મદદ લેવામાં આવી છે અને આજે રાત્રે આર્મી સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી કરી રહી છે.




Google NewsGoogle News