Get The App

નર્મદા નદીમાં પુરને કારણે વ્યાસ બેટમાં ફસાયેલી 12 વ્યક્તિને આર્મીની ખાસ બોટ મોકલી બચાવી લેવાઇ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
નર્મદા નદીમાં પુરને કારણે વ્યાસ બેટમાં ફસાયેલી 12 વ્યક્તિને આર્મીની ખાસ બોટ મોકલી બચાવી લેવાઇ 1 - image


- આર્મીના જવાનો વ્યાસ બેટ ઉપર પહોંચી પ્રથમ અસરગ્રસ્તોને નાસ્તો કરાવ્યો અને બાદમાં સલામત રીતે બચાવી આ કાંઠે લાવ્યા

વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા 12 વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર ઉડાન ના ભરી શકવાના કારણે આર્મીની બોટ મંગાવી આ કાંઠા તરફ લાવવામાં આવી છે. છેલ્લા 48 કલાકથી ચાલી રહેલી મહેનત પછી સોમવારે સવારે આ પરિવારનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. 

નર્મદા નદીમાં પુરને કારણે વ્યાસ બેટમાં ફસાયેલી 12 વ્યક્તિને આર્મીની ખાસ બોટ મોકલી બચાવી લેવાઇ 2 - image

ગત શનિવારના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર અંગે સૂચના આપવા આવ્યા બાદ પણ વ્યાસ બેટ ખાતે એક પરિવારના 12 સભ્યો સલામત સ્થળે આવી શક્યા નહોતા. હવે એ દરમિયાન નર્મદા નદીમાં પાણીની આવક વધતા વ્યાસ બેટમાં પાણી ભરાવાના શરૂ થયા હતા. આ સ્થિતિને ધ્યાને રાખીને કલેક્ટરે આ પરિવારના બચાવની કામગીરી કરવા માટે કરજણ પ્રાંત અધિકારીને સૂચના આપી અને વડોદરાથી મામલતદારને સ્થળ ઉ૫ર નિયુક્ત કર્યા હતા. 

હવે થયું એવું કે, કલેક્ટર દ્વારા રાહત કમિશનર મારફત એરફોર્સનું હેલીકોપ્ટર મંગાવવામાં આવ્યું તો અમદાવાદમાં ભારે વરસાદના કારણે તે ઉડાન ભરી શક્યું નથી. તો ફરી સંકલન સાધી કોસ્ટગાર્ડનું એક ચોપર દમણથી અસાઇન કરવામાં આવ્યું. તેની સાથે પણ એવું થયું અને હેલીકોપ્ટર આવી શક્યું નથી. આ સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે બપોર બાદ એક બોટ નદીમાં ઉતારવામાં આવી પણ પ્રવાહ એટલો તેજ હતો કે બચાવકર્મીઓએ પરત ફરવું પડ્યું હતું. 

નર્મદા નદીમાં પુરને કારણે વ્યાસ બેટમાં ફસાયેલી 12 વ્યક્તિને આર્મીની ખાસ બોટ મોકલી બચાવી લેવાઇ 3 - image

આવી કપરી સ્થિતિને જોતા અંતે આર્મી પાસેથી વધુ શક્તિશાળી બોટ રવિવારે સાંજે મંગાવી લેવામાં આવી અને આજ સોમવારે સવારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સવારે આર્મીની એક બોટ સ્થાનિક જાણકાર વ્યક્તિને સાથે રાખી નાસ્તો અને જરૂરી સામાન લઇ વ્યાસ બેટ ઉપર પહોંચી ગઇ હતી. જ્યાં ફસાયેલી તમામ 12 વ્યક્તિને પ્રથમ તો નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને બાદમાં બોટમાં બેસાડવામાં આવ્યા હતા. 

નદીના પ્રવાહમાં આ બોટ સલામત રીતે આ કાંઠા તરફ આવતા જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આર્મીના જવાનોએ વૃદ્ધ પૂજારીને ઉંચકીને કાંઠ ઉપર લાવ્યા હતા. આમ કટોકટીના સમયે સેનાના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા. 

આ બચાવ કાર્યમાં ચાર સ્ત્રી, 2 બાળકો અને 6 પુરુષોને બચાવી લેવામાં આવ્યા હતા.


Google NewsGoogle News