વડોદરામાં પાણીની અછતને પહોંચી વળવા 3.10 કરોડના ખર્ચે 12 નવા ટ્યુબવેલ બનાવાશે
- રાયકા અને દોડકા ફ્રેન્ચ કુવાથી રોજ અઢી કરોડ લિટર પાણી ઓછું મળી રહ્યું છે
- ગયા ચોમાસામાં પૂરના લીધે આ બંને કુવાની રેડીયલોને અસર થતાં પાણી પુરવઠો ઘટ્યો
વડોદરા,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહી નદી ખાતે પીવાના પાણી માટે વર્ષો અગાઉ ચાર ફ્રેન્ચ કુવા બનાવેલા છે શહેરની વસ્તી અને વિસ્તાર વધવાના કારણે પાણીની ડિમાન્ડ પણ વધતા આ ચાર ફ્રેન્ચ કૂવા પૈકી રાયકા તથા દોડકા ફ્રેન્ચ કુવા ખાતે પાણીની અછતને પહોંચી શકાય તે માટે ગુજરાત વોટર સપ્લાય સુવરેજ બોર્ડ તરફથી આવેલ રિપોર્ટનાં આધારે 14 ઇંચ ડાયામીટરના કૂલ-12 નવીન ટ્યુબવેલ બનાવવામાં આવશે. આ માટે 3.10 કરોડનો ખર્ચ થશે અને સ્ટેન્ડિંગ સમિતિમાં તેની દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે.
મહિસાગર સ્થિત રાયકા તથા દોડકા ફ્રેન્ચવેલ ખાતેથી સામાન્ય પરિસ્થિતિમાં દૈનિક સરેરાશ 100 મિલિયન લિટર પાણી મેળવવામાં આવે છે. અગાઉ તા.18.09.2023નાં રોજ મહીસાગર નદીમાં પુર આવવાથી આ બંને ફ્રેન્ચ વેલોની રેડીયલોને અસર થઈ હતી. જેના કારણે ફ્રેન્ચવેલ માંથી મળતા પાણીની ગુણવત્તામાં ફેરફાર જોવા મળેલ હતો.પાણી મહદ અંશે ડહોળું આવવું કે પાણીમાં લીલાશ અને પીળાશ આવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે પામેલ છે. જેથી આ બંન્ને ફ્રેન્ચવેલો ખાતેથી દૈનિક અંદાજીત 25 મિલિયન લિટર પાણી ઓછું પ્રાપ્ત થઇ રહેલ છે. 25 મિલિયન લિટર પાણીની ઘટને પહોંચી વળવા માટે હાલ નવીન 14 ઇંચ ડાયામીટરના ટ્યુબવેલ બનાવવાની આવશ્યકતા છે. જે માટે ગુજરાત વોટર સપ્લાય બોર્ડના ભૂસ્તર જળશાસ્ત્રી દ્વારા ભૂગર્ભ જળ માટેનું પરિક્ષણ તા.12.12.2023 નાં રોજ કરાવવામાં આવેલ હતું અને તેનો રિપોર્ટ મેળવી લેવામાં આવેલો છે. આ રીપોર્ટના આધારે રાયકા અને દોડકા ફ્રેન્ચ ખાતે થી પુરતું પાણી મેળવી શકાય તે હેતુસ૨ ટ્યુબવેલની કામગીરી કરી તેને ચાલુ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.