અંકલેશ્વરમાં ૧૨.૭૬ કરોડની જીએસટી ચોરી; બેની ધરપકડ
૭૦.૫૪ કરોડના ટેક્સેબલ બોગસ ઇનવોઇસના આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરી હતી
વડોદરા, તા.4 વડોદરા સેન્ટ્રલ જીએસટી-કમિશનરેટ-૨ દ્વારા જીએસટી ચોરી સંદર્ભે અંકલેશ્વરમાં તપાસ હાથ ધરી હતી, અને ૧૨.૭૬ કરોડની જીએસટી ચોરીમાં બેની ધરપકડ કરી હતી.
સેન્ટ્રલ જીએસટીના જણાવાયા મુજબ મેસર્સ આર બી એન્ટરપ્રાઇઝ (પ્રથમ માળે, યુ-૧, મોદી નગર, અંકલેશ્વર, ભરૃચ, ગુજરાત) માં તપાસ હાથ ધરી હતી. જેમાં જણાઇ આવ્યું હતું કે આ પેઢી સેન્ટ્રલ જીએસટી એક્ટ, ૨૦૧૭ ની જોગવાઈઓ હેઠળ જરૃરી માલસામાનની વાસ્તવિક હેરફેર વિના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટના ગેરલાભ લેવામા અને પસાર કરવામાં સામેલ હતી, પરિણામે કુલ અંદાજે ૧૨.૭૬ કરોડની જીએસટી ચોરી કરી હતી. પુરાવાઓની પ્રાથમિક તપાસ અને મેસર્સ આર બી એન્ટરપ્રાઇઝના માલિક શ્રી અમન દીક્ષિત અને તેમના સહાયક મૌલિક પારેખના નિવેદન પરથી એવું બહાર આવ્યું છે કે માર્ચ, ૨૦૨૩ થી જાન્યુઆરી ૨૦૨૪ના સમયગાળા દરમિયાન, તેઓએ છેતરપિંડીથી લાભ લીધો હતો અને માલસામાનની વાસ્તવિક હેરફેર વિના રૃ.૭૦.૫૪ કરોડના કરપાત્ર મૂલ્યના બોગસ ઇન્વાઇસના આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરી હતી. તેના પરિણામે રૃ.૧૨.૭૬ કરોડની જીએસટી ચોરી થઈ હતી. જેથી આ બંને વ્યક્તિએ જીએસટીથી બચવાના ઈરાદાથી જાણીજોઈને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આથી મુખ્ય વ્યક્તિ અમન દીક્ષિત અને મૌલિક પારેખની સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સવસ ટેક્સ એક્ટ, ૨૦૧૭ ની કલમ ૧૩૨(૧) (બી), ૧૩૨ (૧) (આઇ) હેઠળ આરોપી તરીકે કલમ ૬૯ની શરતો હેઠળ ધરપકડ કરવામાં આવ્યા છે. અન્ય વ્યક્તિ ઉદય મન્સારા, જે ગુનામાં સંડોવાયેલો અને ફરાર છે તેની શોધ ચાલી રહી છે.