વડોદરાના હરણી તળાવમાં કરુણાંતિકા બોટ પલટી જતાં 12 બાળકોનાં મૃત્યુ
- ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ - શિક્ષકો પિકનિક પર ગયા હતા
- બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડયા હતા : અમુકને જ લાઇફ જેકેટ પહેરાવ્યા હતા : જિલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોંપાઇ
- 14 મૃતકોમાં બાળકો ઉપરાંત એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર સામેલ
વડોદરા : વડોદરાના હરણી તળાવમાં પર્યટન માટે આવેલા ન્યુ સનરાઇઝ સ્કૂલના બાળકોની બોટ પલટી જતાં ૧૨ બાળકો,એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર મળી ૧૪ ના ડૂબી જવાથી મોત નીપજ્યા છે.બનાવને પગલે વાલીઓની રોકકળથી હૃદય હચમચી જાય તેવા દ્શ્યો સર્જાયા હતા.આ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે જીલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોપવા નિર્ણય કર્યો છે.
વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઇઝ સ્કૂલના પ્રાથમિક વિભાગના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બાળકો આજે સવારે આઠેક વાગે પર્યટન માટે હરણી તળાવ લેક ઝોન ખાતે આવ્યા હતા.બાળકોએ આખો દિવસ ધીંગામસ્તી કરી હતી અને નમતી બપોરે તેમને બોટિંગ કરવા માટે લઇ જવાયા હતા.
પ્રાથમિક વિગતો મુજબ,બે બોટ પૈકી અંગ્રેજી માધ્યમના બાળકોની એક બોટ પરત ફરી હતી.પરંતુ ગુજરાતી માધ્યમના બાળકોની બોટમાં પાણી ભરાવા માંડતા બોટ નમી પડી હતી.આ સાથે ચીસાચીસ શરૂ થઇ ગઇ હતી.
બોટના ચાલક અને શિક્ષકો કાંઇ સમજે તે પહેલાં તો આખી બોટ નમી પડી હતી અને બાળકોની ચીસો પાણીમાં સમાઇ ગઇ હતી.બનાવને પગલે આસપાસના કેટલાક ટ્રક ડ્રાઇવર તેમજ યુવકો જાન જોખમમાં મુકી કૂદી પડયા હતા અને કેટલાક બાળકોને બહાર કાઢ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમો પણ આવી ગઇ હતી અને બાળકોને બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં લઇ જવાયા હતા.મોડી રાત સુધી બાળકોની શોધખોળ કરવામાં આવી રહી હતી.સૂત્રોના કહ્યા મુજબ,૧૨ બાળકો અને ધોરણ-૩ની અંગ્રેજી માધ્યમની શિક્ષિકા છાયાબેન સુરતી અને સુપરવાઇઝર ફાલ્ગુની પટેલના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે,બાકીના બાળકોને ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
દરમિયાનમાં વડોદરા શહેરમાં હરણી તળાવમાં બોટ ઉંધી વળી જતાં સનરાઇઝ સ્કૂલના બાળકો-શિક્ષકોના મોત થયા હતાં. આ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે જીલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોપવા નિર્ણય કર્યો છે. આ સમગ્ર ઘટનામાં કેવી રીતે બની ? આ ઘટનામાં બોટ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે કેમ ? ભવિષ્યમાં આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય તે માટે કેવા પગલાં લેવા જોઇએ ? જીલ્લા મેજીસ્ટ્રેટ આ ઘટનાના તમામ પાસાઓની વિસ્તૃત તપાસ કરી વિગતવાર અહેવાલ ૧૦ દિવસમાં સરકારને સુપરત કરશે. મોડી રાત્રે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વડોદરા દોડી આવ્યા હતાં અને હોસ્પિટલ જઇને બાળકોની તબીયતની પૃચ્છા કરી હતી.
પિકનિકમાં મોકલ્યા નહી એટલે મારા 3 બાળકો બચી ગયા
યાકુતપુરામાં રહેતા પરવેઝ શેખ પણ જાનવી હોસ્પિટલ દોડી આવ્યા હતા તેઓ મૃતક બાળકોના વાલીઓને મદદ કરી રહ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા પરવેઝે કહ્યું હતું કે મારા ત્રણ બાળકો અરહાન, જીદાન અને અનમ પણ આ સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. તેની મેડમે પણ કહ્યું હતું કે પિકનિકમાં મોકલો પરંતુ મે સ્પષ્ટ ના પાડી દીધી હતી એટલે મારા ત્રણ બાળકો આજે જીવીત છે.
પિકનિક પર જવાની ના પાડી હતી પણ દીકરીને છેલ્લી ઘડીએ મોકલી અને....
જીવનભર આંસુ સુકાય નહી એવી પિડા આપનાર હરણી તળાવ દુર્ઘટનાનો ભોગ રૂત્વી શાહ પણ બની છે. એસએસજી હોસ્પિટલ ખાતે રૂત્વીની માતા પોક મુકીને રડી પડી હતી અને કહેતી હતી કે મેં તો મારી દીકરીને પિકનિક પર જવાની ના જ પાડી હતી પરંતુ છેલ્લી ઘડીએ મારી દીકરીને મોકલી અને દીકરીને કાયમી ગુમાવવાનો વારો આવ્યો.
વડોદરાની દુર્ઘટનામાં કેન્દ્રની બે લાખ અને રાજ્યની ૪ લાખની સહાય જાહેર
- વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ વ્યથિત હૃદયે દુ:ખ અને સંવેદના વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી
વડોદરાના હરણી તળાવમાં સ્કૂલના વિદ્યાર્થીઓની કરૂણ ઘટના સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે કુલ છ લાખની સહાયની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્તોને પણ ૫૦-૫૦ હજારની સહાય ચૂકવાશે.
વડાપ્રધાને શોક વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આ ઘટનાથી વ્યથિત થયો છું. દુખના આ સમયે મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના છે. સ્થાનિક વહીવટી તંત્ર અસરગ્રસ્તોની તમામ શક્ય સહાય પુરી પાડી રહ્યું છે. તેમણે પીએમ એનઆરએફમાંથી પ્રત્યેક મૃતકના પરિવારને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરી છે.જ્યારે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્વાવક છે. જાન ગુમાવનારા નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૃં છું. દુખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મિય સંવેદના વ્યક્ત કરૃં છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુખ સહન કરવાની શક્તિ આપે.
કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે હરણી તળાવની દુર્ઘટના સહાયની જાહેરાત કરી છે, જે અનુસાર પ્રત્યેક મૃતકના પરિવારને ચાર લાખ અને ઇજાગ્રસ્તને ૫૦ હજારની સહાય અપાશે. રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે માતા-પિતા બાળકોને શિક્ષકો તેમજ આયોજકોના ભરોસે મૂકતા હોય છે ત્યારે ખાસ ઘ્યાન રાખવાનું હોય છે. તળાવમાં સફર કરવાની હોય તો બાળકોને લાઇફ જેકેટ પહેરાવવું જોઇએ પરંતુ તેમાં શરતચૂક થઇ છે. હકીકતલક્ષી રિપોર્ટ મેળવી જવાબદારો સામે નિયમ પ્રમાણે કાર્યવાહી કરાશે.