વડોદરામાં દબાણ શાખાના કર્મચારીઓ પર ગૌપાલકોના હુમલાબાદ 12 ઢોરવાડાનો સફાયો
Vadodara Cattle Shed : વડોદરા વાઘોડિયા રોડ-પરિવાર ચાર રસ્તા વિસ્તારમાં આવેલા 10થી વધુ ઢોરવાડા પર પાલિકાની ટીમ સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. તમામ ઢોરવાડા તોડીને પાલિકા તંત્રએ 25થી વધુ ગાયને પકડી લીધી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ઢોર પકડવા ગયેલી ટીમ પર કેટલાક હુમલાખોરોએ હુમલો કરીને પાલિકા કર્મીનું માથું ફોડી નાખ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોર શહેરમાં ચારે બાજુએ ફરતા હોય છે અને ગલી-કુચીઓમાં કે પછી જાહેર રોડ પર નાખવામાં આવેલો એઠવાડ ખાવા ગાયો દોડાદોડ કરતા ક્યારેક નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે અને દોડતી ગાય અડફેટે આવનારને શિગડે ચડાવતી હોવાની અનેક ઘટનાઓ શહેરમાં અવારનવાર સર્જાતી રહે છે.
દરમિયાન પાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર અને રોલર સાથે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા વિસ્તારમાં આજે પહોંચી ગઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં માલધારીઓ પરિવાર સાથે રહે છે. આ વિસ્તારમાં 10 થી 12 ઢોરવાડા બનાવાયા હોવાની જાણ પાલિકા તંત્રને થઈ હતી. પરિણામે પોલીસના કાપલા સાથે પહોંચેલી પાલિકા દબાણ શાખાની ટીમે ઢોરવાડા બુલડોઝરના સહારે હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ અગાઉ પછી જેટલી ગાય પાલિકાની ટીમ દ્વારા પકડી લેવાઈ હતી.
ઢોરવાડા પર પાલિકાનું બુલડોઝર ફરી વળેએ અગાઉ માલધારીઓ સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ અને માલધારીઓ વચ્ચે ચકમક ઝરી હતી પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા વચ્ચે પડીને દરમિયાનગીરી કરતા માલધારીઓ શાંત થયા હતા. તમામ 12 જેટલા ઢોરવાડા પર પાલિકાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવી દેવાતા જ ટીમ સાથે લાવવામાં આવેલા રોડ રોલર દ્વારા રસ્તો સમથળ કરી દેવાયો હતો. ઘટનાની જાણ થતા જ બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડતા પોલીસે વધુ સતર્કતાથી કામગીરી બજાવી હતી.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પાલિકાની ઢોર પાર્ટી આ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગઈ હતી ત્યારે પાલિકાની ટીમ અને માલધારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં એકત્ર ટોળાએ હુમલો કરતા પાલિકાના એક કર્મચારીઓનું માથું ફૂટી ગયું હતું.