એમ.એસ.યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રોફેસરોની ૧૧૭ જગ્યાઓ ખાલી પડી
વડોદરાઃ એક તરફ નવા અધ્યાપકોની કાયમી ભરતી થઈ રહી નથી અને બીજી તરફ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ અધ્યાપકોના પ્રમોશન પણ અટકેલા હોવાથી એમ.એસ.યુનિવર્સિટીમાં હવે પ્રોફેસરોની ખાલી પડેલી જગ્યાઓમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે.
ઉચ્ચ શિક્ષણમાં પ્રોફેસરની પોસ્ટ સર્વોચ્ચ ગણાતી હોય છે અને રીસર્ચ , પીએચડી, પરીક્ષાને લગતી તેમજ અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ પ્રોફેસરોને જ સોંપવામાં આવતી હોય છે.યુનિવર્સિટીમાં અત્યારે વિવિધ ફેકલ્ટીઓમાં પ્રોફેસરોની ૧૧૭ જગ્યાઓ ખાલી છે.આ જ રીતે એસોસિએટ પ્રોફેસરની પણ ૧૫૨ અને આસિસટન્ટ પ્રોફેસરની ૪૧૫ જગ્યાઓ ખાલી પડી છે.જેના કારણે યુનિવર્સિટીના શિક્ષણ પર દિન પ્રતિદિન વિપરિત અસરો થઈ રહી છે.
યુનિવર્સિટીની ટેકનોલોજી તેમજ સાયન્સ ફેકલ્ટીની હાલત તો સૌથી વધારે કફોડી છે.આ બંને ફેકલ્ટીઓમાંથી જ સૌથી વધારે પીએચડી થતા હોય છે અને સૌથી વધારે સંશોધન થતા હોય છે.પણ યુનિવર્સિટી સેનેટમાં રજૂ કરાયેલી માહિતી પ્રમાણે જોવામાં આવે તો ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રોફેસરની ૫૫, એસોસિએટ પ્રોફેસરની ૭૨ અને આસિસટન્ટ પ્રોફેસરની ૬૫ જગ્યાઓ ખાલી છે.
જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં પ્રોફેસરની ૧૯, એસોસિએટ પ્રોફેસરની ૩૩ તથા આસિસટન્ટ પ્રોફેસરની ૭૦ જગ્યાઓ ખાલી છે.આર્ટસ ફેકલ્ટી પણ પાછળ નથી.આર્ટસ ફેકલ્ટીમાં પ્રોફેસરની ૧૯ , એસોસિએટ પ્રોફેસરની ૨૫ તથા આસિસટન્ટ પ્રોફેસરની ૫૨ જગ્યાઓ ખાલી પડી છે.બીજી તરફ ૧૬૫ કરતા વધારે કાયમી અધ્યાપકો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ પોતાના પ્રમોશનની રાહ જોઈને બેઠા છે.આ કાર્યવાહી દિવાળી વેકેશન બાદ આગળ વધી નથી.
કર્મચારીઓની ખાલી પડેલી જગ્યાઓ વધીને ૨૧૧૪ થઈ
યુનિવર્સિટીમાં કાયમી કર્મચારીઓની ભરતી વર્ષોથી બંધ છે અને સરકાર કાયમી ભરતી કરે તેવી કોઈ શક્યતા પણ દેખાતી નથી .બીજી તરફ દર વર્ષે સેંકડો કાયમી કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી હવે યુનિવર્સિટીમાં કર્મચારીઓની ખાલી પડેલી જગ્યાઓની સંખ્યા ૨૧૧૪ થઈ ગઈ છે.આ પૈકી સૌથી વધારે ૨૮૬ જગ્યાઓ ટેકનોલોજી ફેકલ્ટીમાં ખાલી છે.એ પછી ૨૪૩ જગ્યાઓ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસનો નંબર આવે છે.ખાલી પડેલી જગ્યાઓ પર હંગામી કર્મચારીઓથી કામ ચલાવાઈ રહ્યુ છે પણ હંગામી કર્મચારીઓની સંખ્યા પણ ઘણી જગ્યાએ અપૂરતી હોવાથી વહિવટી કામગીરી પર ગંભીર અસર પડી રહી છે.