૧૧૧ વિદ્યાર્થીઓની પીએચડીની ડિગ્રી એક વર્ષથી અટવાઈ છે
વડોદરાઃ કોઈ પણ યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં પીએચડી કરતા વિદ્યાર્થીઓનો બહુ મોટો ફાળો હોય છે.આ વિદ્યાર્થીઓ ત્રણ થી ચાર વર્ષ સુધી દિવસ રાત એક કરે છે ત્યારે તેમને પીએચડી મળે છે.
જોકે એમ.એસ.યુનિવર્સિટીમાં તો પીએચડીના વિદ્યાર્થીઓ સાથે સત્તાધીશો ઠોઠ નિશાળિયા જેવો વ્યવહાર કરી રહ્યા છે.મળતી વિગતો પ્રમાણે પીજી કાઉન્સિલ(હવે એકેડમિક કાઉન્સિલ)ની બેઠક નહીં બોલાવાતી હોવાના કારણે ૧૧૧ વિદ્યાર્થીઓની પીએચડીની ડિગ્રી અટવાઈ ગઈ છે.
આ વિદ્યાર્થીઓએ પીએચડી થિસિસ સુપરત કરી દીધા છે.હવે તેમનો વાયવા જ બાકી છે.જોક પીજી કાઉન્સિલની બેઠક બોલાવવામાં સત્તાધીશો અખાડા કરી રહ્યા હોવાથી પીએચડીના વિદ્યાર્થીઓ અટવાયા છે.મળતી વિગતો પ્રમાણે ગયા વર્ષે પીજી કાઉન્સિલની બેઠક મળ્યા બાદ વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવે છેક આ વર્ષે મે મહિનામાં બેઠક બોલાવી હતી.આ બેઠક પણ એક જ સેશનમાં પૂરી થઈ નહોતી અને જૂન મહિનામાં અધૂરી બેઠક ફરી મળી હતી.
જોકે બેઠકમાં ૬ અધ્યાપકોને પીએચડી ગાઈડ નહીં બનાવવાનો નિર્ણય લેવાયો હતો અને તેના કારણે સિન્ડિકેટમાં ભારે ઉહાપોહ થયો હતો.પીજી કાઉન્સિલની તમામ દરખાસ્તો પાછી મોકલવામાં આવી હતી.જેમાં પીએચડીના ૧૧૧ વિદ્યાર્થીઓના વાયવાનો મુદ્દો પણ સામેલ હતો.હવે પીજી કાઉન્સિલની બેઠક ફરી બોલાવવામાં આવે તો જ પીએચડી વિદ્યાર્થીઓના વાયવાનો રસ્તો ખુલ્લો થાય તેમ છે પણ જાણે આ વિદ્યાર્થીઓની કોઈ પડેલી જ ના હોય તેમ સત્તાધીશો ફરી પીજી કાઉન્સિલની બેઠક બોલાવવાનુ વિચારી સુધ્ધા રહ્યા નથી.આ મુદ્દે ભારે અસંતોષ છે પણ વાઈસ ચાન્સેલર સમક્ષ કઈ બોલવા તૈયાર નથી.રાજ્ય સરકાર પણ પ્રો.શ્રીવાસ્તવ સમક્ષ નત મસ્તક થઈ ગઈ હોય તેમ લાગે છે