Get The App

કોલેરાગ્રસ્ત ગોકુળપુરામાંથી ઝાડા-ઉલ્ટીના વધુ 11 કેસ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
કોલેરાગ્રસ્ત ગોકુળપુરામાંથી ઝાડા-ઉલ્ટીના વધુ 11 કેસ 1 - image


રોગચાળામાં કુલ ૭૫થી વધુ નગરજનો સપડાયા

કોર્પોરેશનની ૧૦ ટીમો દ્વારા સર્વેલન્સ યથાવત્ઃવધુ અસરગ્રસ્ત ભરવાડવાસમાં ૧૦૦થી વધુ જગ મારફતે પીવાના પાણીની વ્યવસ્થા

ગાંધીનગર : ગાંધીનગર શહેરીવિસ્તારના ગોકુળપુરામાં કોલેરાનો રોગચાળો ફાટી નિકળ્યો છે જેના પગલે કોર્પોરેશનની ટીમોએ અહીં સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં અહીં ૭૫ જેટલા શંકાસ્પદ ઝાડા ઉલ્ટીના કેસ પ્રકાશમાં આવ્યા છે. જે અંતર્ગત આજે વધુ ૧૧ કેસ મળી આવ્યા છે.૧૦ ટીમો દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી ચાલુ જ રહેશે.

ગાંધીનગર શહેરીવિસ્તારમાં કોલેરાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અગાઉ પેથાપુર, વાવોલ, સેક્ટર-૨૦ તથા સે-૧૩માં કોલેરાના કેસ પ્રકાશમાં આવ્યા બાદ ગોકુળપુરા વિસ્તારના છાપરામાંથી ચાર દિવસ પહેલા કોલેરાના એક સાથે ત્રણ પોઝિટિવ કેસની સાથે ઝાડા ઉલ્ટીના વધુ ૨૫ જેટલા દર્દીઓ મળી આવ્યા હતા જેના પગલે કોર્પોરેશન સફાળું જાગ્યું હતું અને આ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી જ્યાં પાણીની લાઇન લીકેજ હોવાનું સામે આવ્યું હતું તો બીજીબાજુ ૧૦ આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ઘરે ઘરે જઇને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવાની સાથે ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.સાથે સાથે ઓઆરએસના પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

તો સર્વે દરમ્યાન આજે ઝાડા ઉલ્ટીના વધુ ૧૧ કેસ આ ગોકુળપુરામાંથી મળી આવ્યા છે. જો કે, આ દર્દીઓની સ્થિતિ સારી હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો બીજીબાજુ હવે નવા ટેસ્ટ કરાવાને બદલે આ કોલેરાગ્રસ્ત વિસ્તારમાંથી મળી આવતા તમામ દર્દીઓને કોલેરાગ્રસ્ત ગણીને તેમને સઘન સારવાર પણ આપવામાં આવી રહી છે. 


Google NewsGoogle News