રૃા.૧૦૦ કરોડની ૨૦૦૦ની નોટો બદલી આપવાના બહાને ૧૧.૩૮ લાખની છેતરપિંડી

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
રૃા.૧૦૦ કરોડની ૨૦૦૦ની નોટો બદલી આપવાના બહાને ૧૧.૩૮ લાખની છેતરપિંડી 1 - image


રાજસ્થાનના અજમેરમાં રહેતા ટ્રાન્સપોર્ટના વેપારી સાથે

ગાંધીનગર આરટીઓ કચેરીમાં ઠગ સાથે ભેટો થયો હતો : છ સામે છેતરપિંડી હેઠળ ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓ કચેરીમાં કામ અર્થે આવેલા રાજસ્થાન અજમેરના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વેપારી સાથે ૧૦૦ કરોડની ૨૦૦૦ની નોટો બદલી આપવાના બહાને છ શખ્સોએ ૧૧.૩૮ લાખની છેતરપિંડી આચરી હોવાની વિગતો બહાર આવી છે. જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

 રાજસ્થાનના અજમેર ખાતે રહેતા ભરતસિંઘ અમરસિઘ યાદવ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને ગત નવેમ્બર ૨૦૧૩ માટે કામ અર્થે ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવ્યા હતા જ્યાં પંજાબ મોહાલી ખાતે શિવાલિક એવન્યુ પાસે અમરી હાઇટ્સમાં રહેતા દયાલ જશ્ન લાલવાણી સાથે મુલાકાત થઈ હતી અને આ દયાલ લવાણીએ તેમને કોઈને ૨,૦૦૦ની ચલણી નોટો બદલવી હોય તો જાણ કરજો મારી પાસે એક માણસ છે તેમ કહ્યું હતું અને ૧૫ ટકા કમિશન ઉપર ૨૦૦૦ની નોટો સામે ૫૦૦ની નોટો આપવામાં આવે છે. જેના પગલે ભરતસિંઘે અજમેરના વિકાસ શર્મા નામના વ્યક્તિના જાણ કરવાની તૈયારી દર્શાવી હતી અને ત્યારબાદ વિકાસ શર્માએ તેની પાસે પાર્ટી હોવાનું કહ્યું હતું એટલે દયાલને જાણ કરવામાં આવી હતી. એટલે તેણે ગાંધીનગરમાં રહેતા અને દીક્ષા કોર્પોરેશન નામની કંપનીમાં નોકરી કરતા મિત્ર મૂળ મહારાષ્ટ્રના શૈલેષ રમેશભાઈ ઓટી નોટો બદલી આપવાનું કામ કરતો હોવાની વાત કરી હતી ત્યારબાદ સેક્ટર ૨૧ ખાતે ભરતસિંઘની મુલાકાત કરાવવામાં આવી હતી અને ઓછામાં ઓછા ૩૦ કરોડની નોટો બદલી આપવામાં આવશે તેમ કહ્યું હતું.

જોકે ભરતસિંઘે એક પાર્ટીના ૧૦૦ કરોડની નોટો બદલવાનું હોવાનું કહ્યું હતું. એટલે શૈલેષભાઈ ૨૦ લાખ રૃપિયા જમા કરાવવા કહેતા તેમણે ગત જાન્યુઆરી મહિનામાં બે તબક્કામાં ૧૧.૩૮ લાખ રૃપિયા વિમલા દેવી દેવી ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જોકે ૨૦૦૦ની નોટો દિલ્હી પોલીસે પકડી લીધી હોવાની વાત કરી હતી અને જેના પગલે શૈલેષ રૃપિયા પરત આપવાની ના પાડી હતી. આખરે છ વ્યક્તિઓ સામે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News