પાર્ટ ટાઈમ કમાણીની લાલચ આપી યુવાનના 11.36 લાખ ખંખેરી લીધા
ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરીને અલગ-અલગ ટાસ્ક સોંપી
રાંદેસણના યુવાનને લિંક મોકલીને છેતરપિંડી આચરવામાં આવી : સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી
ઓનલાઇન યુગમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓથી લઈ યુવાનો અને
વૃદ્ધોને છેતરવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે રાંદેસણમાં આવેલી પ્રમુખ પ્રાઇડ
વસાહતમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા સુરેશ રોમૈયા અંકમ નામના મૂળ
તેલંગાનાના યુવાનને નિશાન બનાવવામાં આવ્યો
છે.
જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત ત્રણ ૧૩
માર્ચના રોજ સુરેશ ઘરે હતો તે દરમિયાન તેના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો હતો અને ઘરે
બેઠા પાર્ટ ટાઇમ કમાવાની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ તેને ટેલિગ્રામ ગૃ્રપમાં
જોડવામાં આવ્યો હતો અને અલગ અલગ ટાસ્ક આપીને તેના ખાતામાં ૩૦૦ રૃપિયા જમા કરવામાં
આવ્યા હતા. જેથી તે વિશ્વાસમાં આવી ગયો હતો અને ત્યારબાદ રૃપિયા છોડાવવા માટે તેની
પાસેથી રૃપિયા ભરાવવાનું શરૃ કરવામાં આવ્યું હતું.
જેમાં અલગ અલગ તબક્કે અત્યાર સુધીમાં યુવાનના ખાતામાંથી ૧૧.૩૯ લાખ રૃપિયા જેટલી રકમ ખંખેરી લેવામાં આવી હતી. છેલ્લે વધુ રૃપિયા માંગવામાં આવતા તેને છેતરાયાનો અહેસાસ થયો હતો. આખરે આ સંદર્ભે ગાંધીનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને યુવાનને લાખો રૃપિયાનો ચૂનો ચોપડનાર ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે. નોંધવું રહેશે કે, હાલમાં રાતોરાત રૃપિયા કમાવવાના સપના જોતા યુવાનોને આ પ્રકારની ટોળકી નિશાન બનાવતી હોય છે.